Get The App

ગીરના કેમિકલ વગરના ગોળની મીઠાશ છેક મહારાષ્ટ્ર પહોંચી

Updated: Feb 8th, 2023

GS TEAM


Google News
Google News
ગીરના કેમિકલ વગરના ગોળની મીઠાશ છેક મહારાષ્ટ્ર પહોંચી 1 - image


ગીરસોમનાથ જિલ્લામાં ધમધમતા ગોળના 350થી વધુ રાબડાં : એક ટન શેરડીમાંથી સો કિલો ગોળ બને છે, એક રાબડામાં સિઝન દરમિયાન 10,000 ડબા ગોળનું નિર્માણ, દિવસ દરમિયાન રાબડામાં થતું 90 ડબા ઉત્પાદન

રાજકોટ, : તાલાલા, કોડીનાર,ઉનામાં સુગર ફેકટરીઓ બંધ થયા બાદ છેલ્લા પંદર વર્ષથી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો શેરડી પીલીને ગોળ બનાવવાના વ્યવસાયમાં આવી ગયા છે. ગીર સોમનાથ જિલ્લામાં આશરે 350 જેટલા ગોળના રાબડાઓ ધમધમી રહ્યા છે. અહીના ગોળની એવી વિશેષતા છે કે તેમાં કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી અને ભીંડીનો ઉપયોગ શુદ્ધિકરણમાં કરી દેશી ગોળ બને છે. હવે તો આ ગોળની માંગ છેક મુંબઈ સુધી  પહોંચી ગઈ છે. આ ઉપરાંત  અમદાવાદ, રાજકોટ, સુરત વડોદરા અને સમગ્ર ગુજરાતના શહેરોમાં ગોળ પહોચે છે.

દીવાળી પુરી થયા બાદ લાભપાંચમથી જ ગોળના રાબડાઓ ધમધમવા લાગે છે. ગુજરાતમાં એકલો ગીર સોમનાથ જિલ્લો 35થી 40 લાખ ડબા સુધીનું ગોળનું ઉત્પાદન કરે છે. જિલ્લામાં ગોળ એ એક ગ્રામઉદ્યોગ બની ગયો છે. તાલાલા, કોડીનાર, વેરાવળ, ઉના, ગીર ગઢડા તાલુકાઓમાં રાબડાઓ ધમધમી રહ્યા છે, જેમાં આશરે પાંચ હજારથી વધુ શ્રમિકોને રોજગારી મળે છે. 

ગીરસોમનાથ જિલ્લામાં 350 જેટલા રાબડાઓ ધમધમી રહ્યા છે. એક ટન શેરડીમાંથી 100 કિલો ગોળ બને છે. એક રાબડામાં દિવસ દરમિયાન શેરડી પીલાઈને 90 ડબા ગોળનુ નિર્માણ થાય છે, અને સમગ્ર સિઝન દરમિયાન એક રાબડામાંથી 9થી 10,000 ડબા ગોળનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયામાં યુપી અને મહારાષ્ટ્રના કુશળ કારીગરો કામ કરે છે. શેરડીની કટાઈ પણ એ મજુરો કરે છે.  

ગોળની ખરીદી માટે પણ સારી એવી વ્યવસ્થા છે. કેટલાક ખેડૂતો વેલ્યુએેડેડ પેકિંગમાં ગોળ ભરીને જાતે વેચાણ કરે છે. આ ઉપરાંત ગોળના જથ્થાબંધ વેપારીઓ ગોળની મોટા પાયે ખરીદી કરે છે અને રાજકોટ સહિતના કોલ્ડ સ્ટોરેજમાં ગોળ મૂકીને વર્ષ દરમિયાન વેચાણ કરે છે. 

લોહીની ઉણપ દૂર કરવામાં અને હિમોગ્લોબિન વધારવા ગોળ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત સારી કક્ષાનો તથા એ પછી સેકન્ડ કવોલિટીનો ગોળ ખાવામાં વપરાય છે. ગોળને એન્ટિઓકિસડેન્ટ માનવામાં આવે છે. કેટલાક ખેડૂતો દૂધાળા પશુઓને ગોળ ખવડાવે છે અને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો નબળી કક્ષાનો ગોળ જમીનમાં નાંખે છે જેથી અળસિયા વધી જાય અને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં પણ વપરાય છે. તેનાથી ખેત ઉત્પાદન વધી જાય છે.

Tags :