સોમનાથના અતિથિગૃહો બહાર મહાકાય રંગોળી કરી સજાવાશે
- બોટના લાકડાના વહેરને કલર કરીને કરાશે વેસ્ટને બેસ્ટ
- લાકડાની લાતીવાળાઓ પાસેથી છેલ્લા એક માસથી લાકડાના વહેરને એકત્ર કરાય છે તેને કલરફુલ બનાવી કરાશે રંગોળી
દિવાળી તહેવારો ઉપર દેશ વિદેશ અને અન્ય રાજયોમાંથી હજારો યાત્રિકો ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં મસ્તક નમાવવા આવશે અને સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ચાર અતિથિગૃહોમાં રોકાણ કરશે , આ અતિથિગૃહોને સજાવવા સ્ટાફ થનગની રહ્યો છે. અતિથિગૃહોની બહાર સ્ટાફ મહાકાય રંગોળી બનાવી મનોહર દ્રશ્ય ખડા કરાવાશે.
અહી દરિયાઈ બોટ બનાવવામાં આવે છે અને લાકડાના મોટો કારોબાર છે. ે લાતીઓમાં મોટા પ્રમાણમાં રોજ લાકડું વહેરવામાં આવે છે. જેનો વહેર સોમનાથ ટ્રસ્ટ માટે અનામત રાખી દે છે. આ એકત્ર થયેલા વહેરને સુકવી દેવાયો છે. તેમાં જુદા જુદા કલરો નાંખીને કલરફુલ બનાવવામાં આવે છે.એ પછી ધનતેરસના બીજા દિવસથી સોમનાથ ટ્રસ્ટના લીલાવંતી અતિથિગૃહ, માહેશ્વરી અતિથિ ગૃહ, વીઆઈપી અતિથિ ગૃહ, સાગર દર્શન ડોરમેટરી ભવનમાં સંસ્થાના જ કર્મચારીઓ દ્વારા મહાકાય રંગોળી બનાવવામાં આવશે. આ વહેર પવનમાં ઉડે નહી એ માટે ખાસ તકેદારી લેવામાં આવે છે. ફેવીકોલ અને પાણી ભેગા કરીને રંગોળી પર સ્પ્રે કરવામાં આવે છે. તે સુકાયા બાદ વહેરની ચમક માટે રસોઈમાં વપરાતા વેસ્ટ તેલનો સ્પ્રે કરવામાં આવે છે. એટલુ જ નહી રંગોળીના અમુક અંશો ઉપર ગોલ્ડન સિલ્વર ઝરીનો છંટકાવ કરવામાં આવે છે. રંગોળી નિર્માણ માટે આઠ કલાકનો સમય લાગે છે. જે દસ દીવસ સુધી ટકી શકે છે. છેલ્લા આઠ વર્ષથી સ્ટાફે આ રંગોળી સજાવટ પરંપરા જાળવી રાખી છે. આ દિવસોમાં આવતા પ્રવાસીઓ રંગોળી સાથે સેલ્ફી લે છે.