ઉના, તા. ૪ જૂન, ૨૦૨૦, ગુરૂવાર
ઉના તાલુકાના કાળાપાણ ગામે રમેશ નાજાભાઈ વાજા(ઉ.વ.૩૦)ને તેના બે સગા નાના ભાઈઓ ભરત અને જેન્તીએ મળીને કુહાડીના હાથાથી માર મારી દોરીથી ગળે ફાંસો દઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. લગ્ન કરવાની જીદ સાથે માતા સાથે ઝઘડો કરતો હતો એ દરમ્યાન રોષે ભરાયેલા બન્ને ભાઈએ રમેશને દોરીથી ગળે ફાંસો દઈ દીધો હતો.
રમેશ કંઈ કામધંધો કરતો નહોતો. એથી તેના લગ્ન પણ થતા નહોતા. એમ છતાં પરણવાની હઠ પકડીને તેણે ગઈ કાલે તેની માતા જાહીબેન(ઉ.વ.૬૫) સાથે બોલાચાલી કરી, એમને અપશબ્દો કહીને ઝઘડો કર્યો હતો. એ સમયે ભરત અને જેન્તી ઘરે આવી પહોંચ્યા ત્યારે બન્નેએ મોટા ભાઈને ઝઘડો કરવાની ના પાડી. એટલે મોટો ભાઈ રમેશ વધુ ઉશ્કેરાઈ ગયો અને બન્ને સાથે માથાકૂટ કરવા લાગ્યો. તેથી બેય નાના ભાઈ ક્રોધે ભરાયા અને કુહાડીના હાથા વડે રમેશને ઢોર માર મારીને પછાડી દીધો. બાદમાં એની છાતી પર ચઢી જઈ મજબૂત દોરી વડે રમેશને ગળે ટૂંપો આપી દીધો હતો.
શ્વાસ રૂંધાઈ જતાં રમેશે આંખો મીંચી દીધી હતી. તેને ઉનાની હોસ્પિટલે લઈ જવામાં આવતાં તબીબે તેને મૃત જાહેર કર્યો એ સાથે પોલીસ પણ બનાવની જાણ થતાં દોડી ગઈ હતી. માતાની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ભરત અને જેન્તીની અટકાયત કરી હતી. હત્યામાં વપરાયેલી દોરી અને કુહાડીનો હાથો પણ કબજે કર્યો હતો. ક્ષણિક આવેશમાં આવીને મોટા ભાઈનું ઢીમ ઢાળી દેવા બદલ બન્ને નાના ભાઈઓને અફસોસ થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.


