હાઇવે પરનો પુલ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો
- વેરાવળ-કોડીનારને જોડતો
- ડામર ધોવાઈ જતાં મસમોટા ખાડા પડયા વાહન ચાલકો અને મુસાફરો ત્રાહિમામ્
પ્રાચી, તા. 4 જુલાઈ, 2020, શનિવાર
વેરાવળ-કોડીનાર હાઇવેને જોડતો પ્રાચી સરસ્વતી નદીનો પુલ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં અતિ બિસમાર બની ગયો છે. મસમોટા ખાડા પડી જવાને કારણે દરરોજ પસાર થતા હજારો વાહનના ચાલકો-મુસાફરો ત્રાહિમામ્ પોકારી ઊઠે છે. વાહન ચલાવવું ભારે મુશ્કેલ બનતું જાય છે.
ગામ લોકો દ્વારા જાણ કરાતાં માટી અને કાંકરી નાખી લેવલ કરી દેવાયો હતો. આજે ફરી વરસાદ પડતાં પુલ પરનો ડામર સાવ ધોવાઈ ગયો છે અને મસમોટા ખાડા પડી જતા પાણી ભરાઈ રહે છે. જેથી નાના વાહનો વારંવાર સ્લીપ થવાના પણ બનાવો બનતા રહે છે . સતત અવરજવર રહેતા ટ્રાફિક સમસ્યા પણ ઉવેછે. પુલ અતિ બિસમાર સ્થિતિમાં હોવાથી વાહનચાલકોને જાનહાનિનો પણ ભય રહે છે. જેથી કોઈ આકસ્મિક દુર્ઘટના બને તે પહેલાં પુલની મરામત કરવામાં આવી લોકોમાં માગ ઊઠી છે.