FOLLOW US

સોમનાથ તીર્થમાં 16 સૂર્ય મંદિરો હતા, આજે માત્ર 5 મંદિરો હયાત

Updated: Jan 9th, 2023


મકરસંક્રાંતિ એટલે સૂર્ય ઉપાસનાનું પર્વ પ્રભાસપાટણમાં શારદામઠ પાછળ 13મી સદીના જિર્ણોધ્ધાર પામેલા વલ્લભકાળના સૂર્ય મંદિર અને વખારીયા સ્થિત સૂરજ કુંડનો પૌરાણિક ઇતિહાસ

પ્રભાસપાટણ, : આદિ દેવ નમોસ્તુભ્યં એવા પૃથ્વી ઉપરના પ્રત્યક્ષ અને સાક્ષાત દર્શન આપતા સૂર્યદેવનું મહાપર્વ છે મકર સંક્રાંતિ. સ્કંધ પુરાણ જે સ મયમાં લખાયું ત્યારે સોમનાથ પ્રભાસ ખંડમાં ૧૬ સૂર્યદેવતાઓનાં મંદિરો હતાં. સૂર્યનું એક નામ ભાસ્કર પણ કહેવાય છે તો પ્રભાસ એક સમયે ભાસ્કર તીર્થ તરીકે પણ ઓળખાતું. જે નામ સૂર્યવંશી આર્યો અહીં સમુદ્ર માર્ગે આવી સ્થિર થયા તે વખતે અપાયું હતું. પ્રભાસ ક્ષેત્રમાં એક સમયે ૧૬ સૂર્ય મંદિરો હતાં. હાલ માત્ર પાંચ મંદિરો હયાત છે.

ભારત વન પર્વ અધ્યાય 82માં જણાવાયા મુજબ સૂર્ય આ પ્રદેશમાં પોતાની પૂર્ણ કળાએ પ્રકાશિત થતો હતો અને સૂર્યની એ સોળ કળાઓ પૈકી બાર કળાઓ સૂર્ય મંદિરમાં રાખી અને ચાર કળા પોતાની પાસે રાખી હતી જેનો ઉલ્લેખ પ્રભાસખંડમાં લખાયો છે. તેવાં બાર સૂર્ય મંદિરો વેદકાળમાં હતાં જે કાળક્રમે લુપ્ત થયાં છે. અને હાલ બેથી ત્રણ જેટલાં સૂર્ય મંદિરો હજુ ય યથાવત છે. તે કાળમાં તેની આસપાસ મકાનો ઊંચા ન હોવાને કારણે સૂર્યોદયનાં પ્રથમ સીધા કિરણો તેના ઉપર પડતાં.

ઇતિહાસ લેખક શંભુપ્રસાદ દેસાઇએ 'પ્રભાસ-સોમનાથ'ના તેના પુસ્તક ઉલ્લેખ કરેલાં સૂર્ય મંદિરો પૈકી સાંમ્બાદિત્ય સૂર્ય મંદિર-સોમનાથથી ઉત્તરે આવેલું છે. વર્તમાનમાં હાલ શાક મારકેટ પાસે ત્યાં મ્યુઝીયમ છે. સાગરાદિત્ય સૂર્ય મંદિર-ત્રિવેણી માર્ગે આવેલું અને હાલ હયાત છે. ગોપાદિત્ય સૂર્યમંદિર-રામપુષ્કરથી ઉત્તરે હતું પણ હાલ નથી. ચિત્રાદિત્ય સૂર્ય મંદિર-બ્રહ્મકુંડ પાસે હતું હાલ નથી. રાજભટ્ટાક સૂર્યમંદિર-સાવિત્રી પાસે હતું પણ હાલ નથી, નાગરાદિત્ય સૂર્ય મંદિર-નદી તટે પણ હાલ નથી. નંદાદિત્ય સૂર્ય મંદિર-નગર ઉત્તરે આવેલું પણ હાલ નથી. કંર્કોટકાક સૂર્યમંદિર-સમુદ્ર તટે શશિભૂષણ પૂર્વે આવેલું પણ હાલ નથી. દુર્વા આદિત્ય સૂર્ય મંદિર-યાદવાસ્થળીમાં હતું પણ હાલ નથી. મુળ સૂર્યમંદિર-સુત્રાપાડામાં હતું જે હાલ છે. તથા પણાદિત્ય સૂર્યમંદિર કે જે ભીમ દેવળમાં હાલ પણ છે. તાલાલા તાલુકાના ભીમદેવળ ગામની સીમમાં સૂર્ય સમર્પિત ઇ.સ. નવમી સદીનું છતવાળુ પ્રવેશદ્વાર ધરાવતું. પૂર્વાભિમુખ સૂર્યમંદિર છે. એના ગર્ભગૃહમાં પ્રવેશદ્વારે સૂર્યપત્ની રજની અને નિશ પ્રભાની ઉભેલી પ્રતિમાઓ છે. ભીમદેવળનું આ ગામ પાંડવપુત્ર ભીમે વસાવેલું હોવાનું કહેવાય છે.

જ્યારે બાર્લાક સૂર્યમંદિર પ્રાચીના ગાંગેચા પાસે હતું પણ હાલ નથી. આદિત્ય સૂર્યમૅંદિર ઊંબા પાસે 16 માઇલ દૂર જે હાલ પણ છે. મકલ સૂર્યમંદિર ખોરાસા પાસે હતું જે હાલ નથી. બકુલાદિત્ય સૂર્યમંદિર ઉના-દેલવાડા વચ્ચે હતું જે હાલ નથી. નારદાત્યિ સૂર્યમંદિર ઉના પાસે હતું જે હાલ નથી.

પ્રભાસ ક્ષેત્રમાં અનેક સૂર્યમંદિરો આવેલાં છે અને સોમનાથ તીર્થ ખાતે સૂર્યપૂજા કરવી અનેક રીતે પુણ્યદાયી માનવામાં આવે છે. ખાસ કરીને સોમનાથ મંદિરે મકર સંક્રાંતિએ સવારે સૂર્યપૂજા ત્યારબાદ ગૌ-પૂજન-તલ અભિષેક-દૂધ અભિષેક અને સાંત્ધય તલ શણગાર સાથે વિશેષ મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજાય છે.

પવિત્ર ત્રિવેણી સંગમ સામે આવેલ શારદા મઠનાં પાછળના ભાગે એક પ્રાચીન સૂર્યમંદિર આજે પણ છે. વલ્લભીકાળનું આ મંદિર 13મી 14મી સદી દરમ્યાન જીર્ણોધ્ધાર પામ્યું હોવાનું કહેવાય છે. તો એક વાયકા મુજબ યજુવેદાચાર્ય યાજ્ઞાવલક્ય મહર્ષિએ સોમનાથમાં તપસ્યા કરી હતી. અને આ રીતે તેમણે ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી અને શ્રાવણ સુદ 14  પૂર્ણિમાએ મધ્યાન્હે તેમને સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા. અને વરદાન આપ્યું હતું અને યાજ્ઞાવલ્ક્યે સૂર્યનારાયણની જે સ્તુતિ કરી જે આજે પણ સૂર્ય સ્તોત્રમાં ઉલ્લેખ હોવાનું કહેવાય છે. યાજ્ઞાવલ્ક્ય મહર્ષિએ સોમનાથમાં જ તપ કરી યજુર્વેદ મેળવ્યો હતો. વેરાવળ-સર્વસંગ્રહના ઉલ્લેખ મુજબ વેરાવળ વખારીયા બજારમાં સૂરજ કુંડની જગ્યા આવેલી છે. મકર સંક્રાંતિના મહાપર્વે સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ સ્થાન, જપ, તપ, દાન, ગાયોને ઘાંસચારો-બાજરાનો ઘૂઘરો ખીચડી-સોમનાથ મહદોવને તલ-ગંગાજળ-મધ-પંચદ્રવ્યથી સ્નાન સવાર-સંધ્યા દર્શન પ્રભાસની પરંપરા છે. 


Gujarat
News
News
News
Magazines