શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સોમનાથ મંદિરે વિશેષ આરતી
- 'ભારત માતાકી જય'ના નાદોથી ગુંજી ઉઠયું મંદિર
- દાદાને થયા ત્રિરંગાના શણગાર
પ્રભાસપાટણ, તા. 16 ફેબ્રુઆરી 2019, શનિવાર
સોમનાથ મહાદેવ મંદિરે કાશ્મીરમાં શહિદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલી આપવા વિશેષ આરતી યોજાઈ હતી. ભારત માતા કી જયના નાદોથી મંદિર ગૂંજી ઉઠયું હતું.
કાશ્મીરના પુલવામા ખાતે શહિદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પવા સોમનાથ મહાદેવ મંદિરે પ્રથમ વખત જ વિશેષ આરતી યોજાઈ અને દરેક દર્શનાર્થીઓને દીવડાઓ અપાયા હતા. સમુહ આરતીમાં દર્શનાર્થીઓ જોડાઈ અમર જવાનોને શ્રદ્ધાંજલી અર્પી હતી. આરતી પૂર્ણ થયે ભારત માતાકી જયના ગગનભેદી નાદો સાથે મંદિર ગૂંજી ઊઠયું હતું.
ઉપરાંત તે આરતી સમયે અને સંધ્યા શણગારમાં મહાદેવને ત્રિરંગાના શણગાર કરાયો અને મંદિર પટાંગણમાં ભગવદ ગીતાનો બીજા અધ્યાયનો પાઠ, શહિદ પ્રતિકને પુષ્પાંજલી તેમજ શહિદોને શોકાંજલી અર્પવા બે મીનીટનું મૌન રાખવામાં આવ્યું હતું.