Gujarat

સોમનાથ અને ઉનામાં આજે ભાવભેર શનિ જયંતીની ઉજવણી

By GS Team
2 Jun 20192 mins read
This article was originally published on 2 Jun 2019
સોમનાથ અને ઉનામાં આજે ભાવભેર શનિ જયંતીની ઉજવણી



પ્રભાસપાટણ, ઉના, તા.2 જૂન 2019, રવિવાર

સોમનાથ અને ઉનામાં આવેલા પ્રસિધ્ધ શનિ મંદિર ખાતે તા. ૩ નાં સોમવારે ભાવભેર શનિ જયંતીથી ઉજવણી થશે. ધ્વજારોહણ, પુજન, આરતી,  હવન, મહાપ્રસાદ સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વહેલી સવારથી જ ભાવિકો શનિદેવનાં દર્શન - પુજન માટે ઉમટશે. 

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યમાં વેરાવળ - ઉના હાઇવે ઉપર સોમનાથ ગુરૂકુળ અને શંખચક્ર સર્કલ પાસે આવેલ શનિદેવ મંદિરે તા. ૩ ના સોમવતી અમાસ અને શનિ જયંતી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે પાંચ વાગ્યે મંદિર ખુલી જશે અને ૫.૧૫ ધજારોહણ શનિદેવ પૂજા, આરતી, ઉપાસના અને બપોરે ૧૨.૩૦ વાગ્યે બટુક ભોજન તેમજ સર્વભકતોને પ્રસાદી, સાંજે ૭.૩૦ આરતી તેમજ રાત્રે ૮ વાગ્યે હવન પૂજન થશે. મંદિર ખાતે સુશોભિત મંડપ તેમજ પ્રસાદી માટે ગાંઠીયા બુંદીની આજથી જ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. 

ઉના શહેરનાં ટાવર ચોકમાં વરસો જુની શનેશ્વર ધર્મશાળામાં એક જ પથ્થરમાંથી મોટી,  મધ્યમ, નાના કદની શનીદેવની મૂર્તિ સાથેનું મંદિર લોકો માટે આસ્થાનું પ્રતિક છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, ઉનાનાં આઝાદી પહેલાનાં દિવાન ધર્મશાળા બંધાવવા માટે પાણીની જરૂરીયાત હોય કુવો ખોદાવતા હતા ત્યારે શનિદેવની મૂર્તિ મળી આવતા ત્યાં કુવો ખોદવાનું બંધ કરી બાજુમાં કુવો બનાવેલો અને મંદિર બનાવા પ્રતિષ્ઠા યજ્ઞા કર્યો હતો. 

આ વખતે પણ વૈશાખ વદ અમાસ  તા. ૩ ને સોમવારે શનેશ્વર જયંતિ નિમિતે શનિ મહારાજનો જન્મ ઉત્સવ ભાવપૂર્વક ઉજવાશે. સવારે મંગલા આરતી, આંકડાના ફૂલની પુજા, ત્યારબાદ ભકતોના દર્શન માટે ખુલ્લુ મુકાશે. દરેક ભકતો ને છુટ્ટા ચુરમાની પ્રસાદી અપાશે. ભકતો તેલ, નાળીયેર, આંકડાની માળા, કાળા તલ, કાળઆ વસ્ત્રનું દાન કરી પુજા - અર્ચના કરશે. સાંજે મહા આરતીમાં ૧૦૮ દિવડાની આરતી પણ કરાશે. સમગ્ર સૌરાષ્ટ્ર તથા દિવ પ્રદેશ વિસ્તારમાંથી ભકતો દર્શન કરવા ઉમટી પડશે.