ગીર સોમનાથ જિલ્લામાં એક દિવસમાં કોરોનાના છ કેસો
- કોરોના સાથે જીવતા શિખો, સૌરાષ્ટ્રમાં પ્રસરતી મહામારી
- અમદાવાદ સિવિલમાં ફરજ બજાવીને જામનગર આવેલા તબીબને, કેશોદના પ્રૌઢ અને જેતપુરમાં યુવાનને કોરોના
રાજકોટ, તા. 20 મે, 2020, બુધવાર
લોકડાઉન-૪માં વ્યાપક છૂટછાટ અપાઈ છે પરંતુ, કોરોના મહામારી કોઈને છૂટ આપતી નથી. લોકોએ આ મહામારી સાથે જીવતા શિખવું જ પડશે, હળવા મળવાનું ટાળવું જ પડશે તેવો સ્પષ્ટ મેસેજ આજે કોરોનાના રાજકોટ,જામનગર,જુનાગઢ,ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયેલા કેસોએ આપ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે એક દિવસમાં જ અર્ધો ડઝન પોઝીટીવ કેસો જાહેર થયા છે.
વેરાવળના બોરખતરીયા દિનેશભાઈ (ઉ.વ.૨૨) તથા કૌશલ્યાબેન (ઉ.૫૨) , સૂત્રાપાડા વિસ્તારમાં જેઠવા હંસાબેન (ઉ.૩૬), પરેશભાઈ પઢીયાર (ઉ.૨૬), દિનેશભાઈ કાટેલીયા (ઉ.૨૨) તથા વેરાવળ તાલુકાના બોળાશ ગામના નાંઢા હિતેષભાઈ (ઉ.વ.૩૪)એમ છ વ્યક્તિઓને કોરોના કેસ આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલા વેરાવળમાં અત્યાર સુધી એક પણ કેસ ન્હોતો ત્યારે બે કેસો આવતા દોડધામ મચી છે, હજુ નવ કેસના રિપોર્ટ આવવાના બાકી છે.
જામનગરમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સેવા આપીને પરત આવેલા એક તબીબનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે જે સારવાર હેઠળ છે. આજે બપોર પછી જામનગરના મયુરનગર વામ્બે આવાસ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય મહિલાને કોરોના હોવાનું ખુલ્યું છે, અગાઉ તેને ત્યાં ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તો સુભાષ બ્રીજ નજીક રહેતા એક ૧૮ વર્ષના યુવાનને પણ જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા બાદ સેમ્પલ લેવાતા કોરોના હોવાનું ખુલતા કોવિડ વોર્ડમાં દાખલ કરાયેલ છે.
જેતપુરના કેનાલ રોડ પર સીંગદાણા પ્રોસેસર્સના એક યુનિટમાં કામ કરતા ૨૦ વર્ષનામધ્યપ્રદેશના જીતેન નવલસિંઘ બધેલ (ઉ.વ.૨૦)ને કોરોના પોઝીટીવ હોવાનું ખુલ્યું છે. આ યુવકને પાંચ છ દિવસથી ચડ ઉતર તાવ આવતો હોય નજીકના જુનાગઢ ખાતે ચેકઅપ માટે મોકલાયો હતો જ્યાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેના પરિવારજનોને જુનાગઢ રાખવામાં આવ્યા છે. આ યુવકના સંપર્કમાં આવેલ ૪૧ વ્યક્તિઓને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટાઈનમાં મોકલાયેલ છે.
જુનાગઢ જિલ્લાના કેશોદમાં મહારાષ્ટ્રથી બસમાં આવેલા એક પ્રૌઢને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ પ્રૌઢ સૂત્રાપાડાના ઉમરી ગામમાં પોઝીટીવ દર્દી જે બસમાં આવ્યા તેમાં આવ્યાનું ખુલ્યું છે.
રાજકોટમાં મનહરપ્લોટમાં અમદાવાદથી આવેલા અને મહીકા ખાતે ફાર્મ હાઉસમાં રહેતા સ્નેહલ મહેતાને સારવાર કારગત નિવડતા આજે ડિસચાર્જ કરવામાં આવ્યાનું જણાવાયું છે. આ સાથે શહેરમાં કૂલ ૭૬ કેસોમાં ૬૩ વ્યક્તિઓ સાજા થયેલા છે જ્યારે ૧૩ હોસ્પિટલમાં દાખલ છે .