Gujarat

તાલાલા પંથકની 44 ગ્રામ પંચાયતને ખાનગી બેંકમાં ખાતા ખોલાવવાના આદેશથી સરપંચોમાં રોષ

By GS Team
22 Jul 20201 min read
This article was originally published on 22 Jul 2020
તાલાલા પંથકની 44 ગ્રામ પંચાયતને ખાનગી બેંકમાં ખાતા ખોલાવવાના આદેશથી સરપંચોમાં રોષ

તાલાલા, તા. 22 જુલાઈ 2020, બુધવાર

તાલાલા પંથકની 44 ગ્રામ પંચાયતોને 15મા નાણાપંચ યોજનાની ગ્રાન્ટો માટે એચડીએફસી બેંકમાં ખાતું ખોલાવવા માટે જિલ્લા પંચાયતની સૂચનાથી તાલુકા વિકાસ અધિકારીએ 44 ગ્રામપંચાયતને આદેશ કરતાં સરપંચોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. તાલુકાના સરપંચો વતી મોરૂકા ગામના ઉપસરપંચે રાજ્યના વિકાસ કમિશનરને પત્ર પાઠવી ગીર સોમનાથ જિલ્લા પંચાયતે કાયદા વિરુદ્ધ આપેલા આદેશની તપાસ કરવા માગણી કરી છે.

આ પત્રમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતોએ એમને નજીક પડતી રાષ્ટ્રીકૃત બેંકોમાં ખાતા ખોલાવેલાં છે, આ ખાતા મારફત ૧૪મા નાણાંપંચની તમામ ગ્રાન્ટની લેવડદેવડ ગ્રામ પંચાયત દ્વારાકરવામાં આવી છે. છતાં જિલ્લા પંચાયત તંત્ર દ્વારા મનમાની કરીને આ ખાતા બંધ કરાવીને ખાનગી બેંકમાં ખાતાં ખોલાવવા કરેલા આદેશથી ગ્રામ પંચાયતોને પારાવાર મુશ્કેલી થશે.

વિવિધ રાષ્ટ્રીય બેંકની શાખાઓ ગામડામાં સેવા આપે છે, એને બદલે એચડીએફસી બેંકની એકમાત્ર શાખા તાલુકા મથકે હોવાથી દૂરના ગામડાંની ગ્રામ પંચાયતોને સરપંચો અને તલાટીમંત્રીઓને બેંકની વહીવટી કામગીરી માટે 25થી 30 કિલોમીટર તાલુકા મથકે આવવું ફરજિયાત બની જશે.

ખુદ વિકાસ કમિશનરે ગત તા. 10 જૂને લખેલા પત્રમાં ગ્રામ પંચાયતો નજીકના અંતરે આવેલી માન્ય બેંકોમાં ખાતા ખોલાવી શકે છે એમ જણાવ્યું હોવા છતાં કરવામાં આવેલા મનઘડંત આદેશને રદ કરવા માગણી કરવામાં આવી હતી.