કેસર કેરી આ વર્ષે મોડી અને મોંઘી, તાઉતે વાવાઝોડું અને માવઠાં નડયા
ચાર વર્ષથી ગીરની વિખ્યાત કેરીની ઘટતી આવક, વધતા ભાવ તલાલા યાર્ડમાં ગત વર્ષે 69 હજાર ક્વિ.આવક, સારા વર્ષમાં 1 લાખ ક્વિ.થી વધુ આવક, કેરીના લઘુ રૂપ ખાખડીનું આગમન પણ ભાવ ઉંચા
રાજકોટ, : રાષ્ટ્રભરમાં વિખ્યાત અને માત્ર સૌરાષ્ટ્રના ગીર અભ્યારણ્ય વિસ્તારમાં ઈ.સ. 1931થી પાકતી કેસર કેરી આ વર્ષે એપ્રિલને બદલે મે માસમાં આવવાનું ખેડૂત સૂત્રોએ જણાવ્યું છે. સૌરાષ્ટ્રમાં ગીર-દિવ વિસ્તારમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી હજારો આંબાઓના મૂળિયા હલબલી ગયા છે અને ઉપરથી ગત શિયાળામાં ઉપરાઉપરી કમોસમી વરસાદથી આ વખતે કેસર કેરી મોડી આવવા ઉપરાંત મોંઘી થશે.
હાલ બજારમાં કેસર કેરી જે વિકસીત થયા પહેલા જ ઝાડ પરથી ખરી પડી હોય તે કેરીના લઘુરૂપ અને કાઠીયાવાડમાં 'ખાખડી 'તરીકે ઓળખાતા ફળની આવક શરુ થઈ છે પરંતુ, ગત વર્ષે 10-20 ના કિલો લેખે મળતી ખાખડીના ભાવ જ રૂ।. 100ને પાર થયા છે. આ ખાખડી સંભારા તરીકે વ્યાપક વપરાતી રહી છે.
કેસર કેરીનો સંગ્રહ થતો નથી અને તેથી તેની આવક મૂજબ બજારમાં ભાવ નિર્ધારણ થતા રહ્યા છે. કેસર કેરીનું સૌથી મોટુ બજાર આવેલું છે તે તલાલા યાર્ડના સૂત્રો અનુસાર ચાર વર્ષથી તેની આવકમાં સતત ઘટાડો થાય છે અને ભાવ દર વર્ષે વધતા રહ્યા છે પરંતુ, આ વખતે મોટો જમ્પ આવશે.
અનોખી મીઠાશ અને સ્વાદ ધરાવતી આ કેરીની તલાલા યાર્ડમાં ઈ.સ. 2010-11માં માં સર્વાધિક 1.48 લાખ ક્વિન્ટલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આશરે 5 લાખ ક્વિન્ટલની નોંધાઈ હતી જ્યારે ગત વર્ષે યાર્ડમાં માત્ર 68793 ક્વિન્ટલની આવક થઈ છે. ચણા,ઘંઉ સહિત તમામ જણસીના સૌરાષ્ટ્રમાં ૨૦ કિલો (મણ) લેખે સોદા થાય છે ત્યારે કેરીના સોદા 10 કિલોના બોક્સ લેખે થતા રહે છે. ગત વર્ષે આવા એક બોક્સની સરેરાશ કિંમત રૂ।. 375 હતી પરંતુ, સારી ક્વોલિટીની કેસર કેરીનું બોક્સ રૂ।. 800માં વેચાતું હતું.
આગામી એપ્રિલના અંત સુધીમાં યાર્ડમાં કેસર કેરીનું આગમન થવાની શક્યતા છે. જો તડકો સારો પડે તો કેરીનું ફળ વિકસીત થતું હોય છે. કેટલો અને કેવો પાક થશે તે મહદ્અંશે અનિશ્ચિત અને કુદરત પર જ આધારિત રહ્યું છે.
કેસર કેરીની રસપ્રદ વાતો
-સૂત્રો અનુસાર જુનાગઢ જિલ્લાના વંથલી અને ગીર તળેટીમાં તેનું પ્રથમ વાવેતર થયું હતું. -ઈ.સ.1934માં રાજાશાહી કાળમાં કેસર કેરીનું ફળ માર્કેટમાં આવ્યું ત્યારે જુનાગઢના રજવાડાએ ફળનો રંગ જોયો આ તો કેસર છે તેમ કહ્યું અને ફળનું નામ કેસર કેરી પડી ગયું. -જુનાગઢ-અમરેલી જિલ્લાના 20,000 હેક્ટરમાં આ કેરી વવાતી રહી છે, જો કે હવે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે કેસરના આંબા વવાય છે. -અસલી કેસર ગીર અભ્યારણ્ય વિસ્તારમાં પાકતી કેરી ગણાય છે. -દેશમાં ઉત્તરપ્રદેશની દશેરી કેરીને માન્યતા મળ્યા પછી બીજા નંબરે કેસરને માન્યતા મળી છે. -ઓક્ટોબરમાં આ ફળ ઉગવાની શરુઆત થાય છે, ચોમાસુ ઉપરાંત ઉનાળો કેવો તપે છે તેના પર પણ ફળનો આધાર હોય છે. -એક એવો પાક જેનો પાકવિમો હોતો નથી.