ગીર જંગલની બોર્ડર ઉપર વસવાટ કરતા 19 સિંહોને લગાવાયા 'રેડીયોકોલર'
- પ્રથમ તબક્કામાં ૭૫ સિંહોને 'લોકેટ' કરવાનો ટાર્ગેટ
- જર્મન બનાવટનાં એક રેડીયોકોલરની કિંમત રુ.6.78 લાખ અને વજન 1 કિલો 700 ગ્રામઃ સાસણનાં કંટ્રોલ રુમમાં સિંહોની હિલચાલનાં મળતા રહેશે સિગ્નલ
વિસાવદર તા.22 જૂન 2019, શનિવાર
વન વિભાગ દ્વારા ગીર જંગલની બોર્ડર પર વસવાટ કરતાં સિંહના ગુ્રપ પર ખાસ નજર રાખવા માટે રેડિયોકોલર ફિટ કરવાની અગાઉ થયેલી જાહેરાત મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પહેલા તબક્કામાં ૭૫ સિંહોને રેડિયોકોલર ફિટ કરશે. જેમાંથી આજ સુધીમાં ૧૯ સિંહોને રેડિયોકોલરની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને હજુ પણ સિંહોના ગૃપનું લોકેશન શોધી તેને રેડિયોકોલર ફીટ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સરકાર દ્વારા વનવિભાગને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રુ. સાડા ત્રણસો કરોડ ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત સાત કરોડના ખર્ચે જર્મનીથી ૧૦૦ રેડિયોકોલર મંગાવવામાં આવ્યા છે. એક રેડીયોકોલરની કિંમત રુ. ૬.૭૮ લાખ જેવી છે અને એકનું વજન ૧ કિલો ૭૦૦ ગ્રામ જેટલું હોય છે. પ્રથમ તબક્કામાં ૭૫ સિંહોને રેડિયોકોલર ફિટ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ બાદમાં ૨૫ સિંહોને રેડીયો કોલર પહેરાવવામાં આવશે અને વધુ જરૂર પડે તો જર્મનીથી ફરી રેડીયો કોલર મંગાવવામાં આવશે.
સાસણ, તાલાલા, મેંદરડા, વેરાવળ, વિસાવદર, માળીયા, ધારી, ઉના, રાજુલા, જાફરાબાદ, જેસર સહિતના વિસ્તારોમાં જંગલની બોર્ડર પર પ થી લઈ ૨૨ સિંહોનું ગૃપ વસવાટ કરે છે. આવા ગુ્રપમાંથી એક સિંહને રેડિયોકોલર પહેરાવવાની હાલમાં કામગીરી ચાલુ છે. રેડીયોકોલર પહેરાવવાનું કારણ એ છે કે, સિંહોની હીલચાલ અને ટેરેટરી પર સાસણ સ્થીત મોનીટરીંગ યુનીટમાંથી ખાસ નજર રાખવામાં આવશે. રેડિયોકોલર પહેરાવવા માટે સ્થાનિક સ્ટાફ દ્વારા સિંહનું લોકેશન કરી બાદમાં વેટરનરી ડોક્ટર દ્વારા લોકેશન કરેલ સિંહને બેભાન કરી ગળામાં રેડિયોકોલરનો પટ્ટો ફીટ કરવામાં આવી રહ્યો છે.
રેડીયો કોલર દ્વારા સિંહનું ગુ્રપ કયા વિસ્તારમાં છે તેની સાસણ સ્થિત મોનીટરીંગ કંટ્રોલ રૂમ ખાતે સતત માહિતી મળશે. આ રેડિયોકોલરમાં ઓટોમેટિક સિસ્ટમ હોય છે. જેથી જેટલી કલાકનું સિગ્નલ લેવા માટેની ગોઠવણી કરવામાં આવી હોય તેમ રેડીયોકોલરનાં આયુષ્યમાં ઘટાડો થતો હોય છે. જેથી બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીનું રેડિયોકોલરનું આયુષ્ય હોય છે.