Get The App

ઉનામાં SPની હાજરીમાં શાંતિ સમિતિની બેઠકમાં ગરમાગરમી : દુકાનો ટપોટપ બંધ

Updated: Apr 2nd, 2023

GS TEAM


Google News
Google News
ઉનામાં SPની હાજરીમાં શાંતિ સમિતિની બેઠકમાં ગરમાગરમી : દુકાનો ટપોટપ બંધ 1 - image


રામનવમીની સભામાં થયેલ વિવાદીત ઉચ્ચારણોના મામલે માહોલ તંગ : બેઠકમાં ધારાસભ્યની ટકોરના પગલે બોલાચાલી થતાં બેઠક પડી ભાંગતા ગામમાં અજંપો : બપોર પછી બેઠક બોલાવી સમજાવટની સમાધાન કરાવાયું 

ઉના, : ઉનામાં રામનવમીના દિવસે યોજાયેલી જાહેર સભામાં વિવાદિત સંબોધનને લીધે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી. તેના પગલે ગઈકાલે વડલા ચોક ખાતે લોકોના ટોળા એકત્ર થઈ વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર કરી ફરીયાદ નોંધાવવાની માંગ સાથે ચક્કાજામ કરતા પોલીસ દોડી ગઈ હતી. ફરીયાદ નોંધાવવાની ખત્રી આપતા ટોળુ વિખેરાયું હતું. બનાવના પગલે આજે ગીર સોમનાથના એસપી સહિતના પોલીસ અધિકારીઓ ઉના દોડી ગયા હતા. તેમની હાજરીમાં ઉના પોલીસ સ્ટશનમાં સવારે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં બોલાતાલી થતા મામલો તંગ બન્યો હતો. મહોલ ગરમાતા ગામમાં દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. બાદમાં પોલીસે બપોરે ફરીથી શાંતિ સમિતિની બેઠક યોજી સમજાવટ સાથે સમાધાન કરાવાયું હતું.અને ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. પરંતુ બનાવના પગલે ઉનામાં અજંપાભરી શાંતિ છવાઈ છે.

ઉનામાં રામનવમીના દિવસે શોભાયાત્રા બાદ સાંજે રાવણાવાડી ખાતે જાહેર સભા યોજાઈ હતી. તેમાં વક્તા કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલા વિવાદિત ભાષણના પગલે મુસ્લીમ સમાજની લાગણી દુભાઈ હતી. જેના પગલે ગઈકાલે વડલા ચોકમાં ટોળું એકત્રિત થયું હતું અને વક્તા સામે ફરીયાદ નોંધવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરી ચક્કાજામ કરાતા પોલીસ દોડી ગઈ હતી.

ઉના પીઆઈ ગોસ્વામી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ અને ટોળાને સમજાવટ કરી ફરીયાદ નોંધવાની ખાત્રી આપી હતી. સાંજે આગેવાનોની હાજરીમાં અરજી આપવાનું કહ્યું હતું. પરીણામે ટોળું વિખેરાઈ ગયું હતું અને ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.

બનાવના પગલે આજે સવારે ગીર સોમનાથ એસપી ત્રિપાલ સેસમા, ડીવાયએસપી વી. આર. ખેંગાર સહિતના અધિકારીઓ ઉના દોડી આવ્યા હતા. તેમની હાજરીમાં આજે સવારે ૧૧ વાગ્યાના અસરામાં ઉના પોલીસ સ્ટેશનમાં હિન્દુ -ાુસ્લીમ આગેવાનોની ઉપસ્થીતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે  સંપીને રહેવાનું જણાવી અને આવી વાતને  મોટુ સ્વરૂપ ન આપવા ટકોર કરતા  બેઠકમાં બોલાચાલી થઈ પડી હતી અને ગરમાગરમી થઈ હતી.અને ઉગ્ર વાતાવરણ થઇ ગયું હતું.

પોલીસ અધિકારીઓની હાજરીમાં બોલાચાલી થતા મામલો તંગ બન્યો હતો અને મુસ્લિમ સમાજના આગેવાનો આ બેઠક છોડી ગયા હતા. અને બેઠક પડી ભાંગી હતી.આ ઘટનાના પગલે ગામમાં તંગ માહોલ થઈ ગયો હતો.અને વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી. જોતજોતામાં સમગ્ર ગામ બંધ થઈ ગયું હતું. ગામમાં અજંપાભરી સ્થિતિ છવાઈ ગઈ હતી. ગામમાં કોઈ અઘટીત બનાવ ન બને તેની તકેદારી સ્વરૂપે એસપીએ ફરી બપોરે 4 વાગ્યાના અરસામાં હિન્દુ - મુસ્લિમ આગેવાનોને બોલાવી અને બેઠક યોજી હતી. તેમાં આગેવાનોની સમજાવટ કરી અને સમાધાન કરાવતા અંતે મામલો થાળે પડયો હતો. 

Tags :