Gujarat

કોડીનારના વલાદર ગામે થતી સજીવ તથા આધ્યાત્મિક ખેતી

By GS Team
30 May 20202 mins read
This article was originally published on 30 May 2020
કોડીનારના વલાદર ગામે થતી સજીવ તથા આધ્યાત્મિક ખેતી

વૃક્ષોને ધૂપ કરી અપાતું હિલીંગ

વેરાવળ, તા. ૩૦ મે, ૨૦૨૦, શનિવાર

સૌરાષ્ટ્રની ધરતી પર ઝેર વગરનું ઓર્ગેનિક ખેત ઉત્પાદન ઘણી જગ્યાએ થઈ રહ્યું છે. લોકો તેમના તંદુરસ્ત આરોગ્ય માટે ઓર્ગેનિક અનાજનું સેવન કરવા માટે હંમેશા આગ્રહ રાખતા હોય છે. સજીવ ખેતીની સાથોસાથ હવે આધ્યાતમિક ખેતી પણ થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી કરી મેળવેલા ખેત ઉત્પાદનમાં અલગ જ મિઠાસ હોય છે. ત્યારે કોડીનાર તાલુકાના વાદર ગામે આવેલ આદ્યશક્તિ આશ્રમ ખાતે સજીવ આધ્યાત્મિક વિશેષ ખેતી થઈ રહી છે.

આશ્રમના સંચાલક સ્વામીએ જણાવ્યું હતું કે, સજીવ, આધ્યાત્મિક ખેતીમાં ગુજરાત રાજય મોડેલ બની શકે તેમ છે. અહિંયા સંપુર્ણ ઓર્ગેનિક આંબાનો ઉછેર અને શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ઝેર વગરનું આરોગ્યપ્રદ શુધ્ધ ખેત ઉત્પાદન થાય છે. આ આશ્રમ ખાતે અંદાજીત ૩૦૦ વિઘા જમીનમાં ૩ હજાર આંબામાં આયુર્વેદીક અને આધ્યાત્મિક રીતે ઉછેર કરવામાં આવી રહ્યો છે.આંબાના વૃક્ષોને ધૂપ કરી હિલીંગ અપાય છે. કેસર, રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળીની વિવિધ ત્રણ પ્રકારની જાતો સહિત ૧૦ પ્રકારની કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે. ગાય આધારિત, હોમો ફાર્મિંગ અને કોસ્મિક ફર્ટિલાઈઝરની સજીવ ખેતી કરવામાં આવે છે.

ખેત ઉત્પાદન મેળવવા માટે કોઈપણ પ્રકારની રસાયણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. માત્રને માત્ર સજીવ ખેતી કરવામાં આવી રહી છે. ઉપરાંત બાજરો, ઘઉં, મગ, તુવેર, સોયાબીન, અડદ, તલ અને જુદા જુદા શાકભાજીનું પણ આ પધ્ધતિ અપનાવી ઝેર વગરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમજ નવ પ્રકારના રીંગણાનું ઉત્પાદન કરવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. ઘણા સમય  પહેલા સરકારની ડ્રીપ ઈરીગેશન યોજનાનો લાભ લઈ આંબાના વૃક્ષમાં ડ્રીપ પધ્ધિતથી પાણી પીવડાવવામાં આવે છે. જેથી પાણીની બચત પણ થાય છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીની સાથે સાથે પ્રાણ ચિકિત્સા, ડિસ્ટન્સ હિલીંગ, નેચરોપેથી, કુંડલિનિ યોગ અને ખેડૂતોને જાગૃત કરવા માટે શિબિર અને યોગનું પણ આયોજન કરવામાં આવે છે. ખેડૂતોએ પહેલા તેમના જીવન વિશે સમજી ખેતીને સમૃધ્ધ કરવી જોઈએ. જયાં સુધી આપણું જીવન નહિં સમજાય ત્યાં સુધી ખેતી નોંધપાત્ર પરિણામલક્ષી પરિવર્તન નહીં આવે એટલે ખેડુતોમાં જાગૃતિની ખાસ જરૂરીયાત છે. આરોગ્ય સજીવખેતી અને શિક્ષણ મહત્વનું પરિબળ છે.