મહિલા પર એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ, સાગરીતોએ ઉતાર્યુ શુટીંગ
- ઉનાનાં સુલતાનપુર ગામનો ચકચારી બનાવ
- મહિલા પાસેથી ઉછીના લીધેલા રૂા. 6 લાખ પરત આપવા ન પડે એટલે ફોટા - વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને વધુ રૂા. 45 હજાર પડાવ્યા
ઉના, તા,12 માર્ચ 2019, મંગળવાર
ઉના તાલુકાનાં સુલતાનપુર ગામે મહિલા પર એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યું અને કિન્નર સહિત બે સાગરીતોએ અશ્લિલ ફોટા - શુટીંગ પાડી બ્લેકમેઇલીંગ કરી રૂા. ૪૫ હજાર પડાવ્યાની ફરિયાદથી ચકચાર મચી છે. જેમાં મહિલા પાસેથી ઉછીના લીધેલા રૂા. ૬ લાખ પરત નહીં આપવા ત્રણેય ઇસમોએ ષડયંત્ર રચ્યાનું ખુલ્યું છે.
મુળ અમરેલી જિલ્લાના માળીયા ગામની વતની અને હાલ ઉના તાલુકાના સુલતાનપુર ગામની સીમનાં વાડી વિસ્તારમાં રહેતી ૩૫ વરસીય પરિણિત મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, ઉનાની અભિજીત ઉર્ફે શક્તિસિંહ બાલુભાઇ રાઠોડ તથા કિન્નર શિલ્પા માસી અને નિલમ નામની યુવતીને છ માસ પહેલા ઉછીના રૂપિયા ૬ લાખ આપી મદદ કરી હતી. બાદમાં મહિલાએ રૂપિયા પાછા માંગતા ત્રણેય ઇસમોએ અભિજીત આપવા ન હોય તેથી ષડયંત્ર રચીને મહિલાને બસ સ્ટેશને બોલાવી એક મોટર કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા.
આરોપી અભિજીતે મહિલાની ઇચ્છા વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને તેના અન્ય બન્ને આરોપીએ ફોટા પાડીને વિડીયો ઉતારી લઇ વાયરલ કરવા ધમકી આપી વધુ ૪૫ હજાર રૂપિયા પડાવી લીધા હતા અને જો પોલીસ ફરિયાદ કરીશ તો તેમના સંબંધીને મારી નાખવાની ધમકી આપી હતી.
અંતે હિંમત કરીને મહિલાએ ઉના પોલીસમાં આવી હકીકતની જાણ કરતા ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓને પકડવા પીએસઆઇ જે.વી. ચુડાસમા તપાસ કરી રહ્યા છે.