શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમનાથ મંદિરે દર્શનનો લાભ લેતા 1 લાખ ભાવિકો
- ભક્તિભાવ સાથે પુનિત શ્રાવણ માસની પૂર્ણાહૂતિ
- મંદિરે અમરનાથ દર્શન, અન્નકૂટ દર્શન યોજાયા: સોમનાથ ત્રિવેણી સંગમ, પ્રાંચી ખાતે પિતૃતર્પણ માટે શ્રધ્ધાળુઓ ઉમટયા
વેરાવળ,તા.31 ઓગસ્ટ 2019, શુક્રવાર
શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમનાથ મહાદેવના દર્શનાર્થે વહેલી સવારે ૪ વાગ્યાથી ભોળાનાથને શિશ નમાવવા ભાવિકો ઉમટી પડેલ હતાં. ૧ લાખ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. ૨૦ કલાક સુધી મંદિર ખુલ્લું રહેલ હતું. ત્રણ આરતી સહીત શૃંગારી દર્શન ઉપરાંત સવાલક્ષ ફળદાન વિધીથી મંદિર સતત ઓમ નમશિવાયના નાદ સાથે ગુંજતું હતું. શિવ ભક્તો માટે મંદિરના દરવાજા પાસે મહામૃંત્યુજય મંત્ર જાપ રાખેલ હતાં તેમાં હજારો ભક્તોએ લાભ લીધો હતો મંદિરમાં રૂદ્રાઅભિષેક, ગંગાજળ સહીત હજારો પુજાવિધીઓ નોંધાયેલી હતી.
શ્રાવણ માસ છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારે ૪ વાગ્યે સોમનાથ મંદિર દર્શનાર્થે ખુલેલ હતું તેમજ પ્રાંત મહાપુજન પ્રારંભ સવારે ૬ કલાકે, આરતી સવારે ૭ કલાકે, સવાલક્ષ બિલ્વાર્ચન સવારે ૮.૩૦ કલાકે, યાત્રીકો દવારા નોંધાવેલ રૂદ્રાપાઠ, મૃત્યુંજય પાઠ સવારે ૯ કલાકે, મધ્યાન મહાપુજા બપોરે ૧૧ કલાકે, મધ્યાન્હ આરતી બપોરે ૧૨ કલાકે, અમરનાથ દર્શન અન્નકુટ દર્શન દીપમાળા સાંજે ૫ થી ૯, સાંય આરતી સાંજે ૭ કલાકે તેમજ રાત્રે ૧૧ કલાકે મંદિર બંધ થયેલ હતું આખો દિવસ ૨૦૦થી વધારે ભુદેવો દ્વારા પુજા થતી હોવાથી ઓમ નમ શિવાયના નાદથી પરીષર ગુંજતુ હતું. આખો દિવસ દરમ્યાન એક લાખ શિવ ભક્તોએ શિશ નમાવેલ હતાં.
ગીર સોમનાથ જૂનાગઢ જીલ્લા તેમજ દુર દુરથી પગપાળા ચાલીને શિવ ભક્તો કાવડીયાઓ દ્વારા નદી, સમુદ્ર જલ લઈને આવી પહોંચેલ ભોળાનાથને જલ ચડાવેલ હતું.
યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ કરાયેલ હતી. તેમાં વૃધ્ધો અશક્ત યાત્રીકો માટે ગોલ્ફ કાર્ટ, વ્હીલચેર, પાર્કીંગથી સોમનાથ મંદિર સુધી ઓટો રીક્ષા, વિશેષ પુજા વિધી, પ્રસાદ કાઉન્ટર, કલોક રૂમની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી તેમજ ત્રિવેણી ગીતામંદિર, મહાપ્રભુજીની બેઠકે વિના મૂલ્યે યાત્રીકોને દર્શને લઈ જવાની સુવિધા કરાયેલ હતી.
સોમનાથમાં ત્રીવેણી નદીના કાંઠે વારથી ભાવિકો ઉમટી પડયા હતાં ભાવિકો દ્વારા પીપળે પાણી રેડવામાં આવેલ હતું તેમજ પિતૃતર્પણ કરાયું હતું.
પ્રાંચી ખાતે સરસ્વતી કુંડમાં સ્નાન કરીભાવિકો દવારા મોક્ષપીપળે પાણી ચડાવી સુતરની દોરી વીટી પૂજા કરી હતી. ૫૦ હજારથી વધુ ભાવિકો પ્રાચી ખાતે ઉમટયા હતાં.