FOLLOW US

મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકોનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ભાવભીનું સ્વાગત

Updated: Apr 18th, 2023


મદુરાઇથી ઉપડેલી ખાસ ટ્રેન 300 મહેમાનોને લઇને આવી પહોંચી : કાઠિયાવાડી પરંપરા મુજબના આવકારથી આનંદિત થયેલા અતિથિઓ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ-શરણાઇના તાલે ઝુમી ઉઠયા

વેરાવળ, : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ  માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તમિલ બાંધવો- ભગીનીઓનું આરોગ્ય મંત્રી અને પ્રવાસન મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાઠિયાવાડી પરંપરા મુજબના આવકારથી આનંદિત થયેલા અતિથિઓ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ-શરણાઇના તાલે ઝુમી ઉઠયા હતા.

 તમિલ સંગમ કાર્યક્રમના ઉપક્રમે વર્ષો બાદ મૂળ વતનની મુલાકાતે આવેલા બંધુઓને  આવકારવા માટે સૌરાષ્ટ્રના દરેક સમુદાયના લોકો તેમજ મૂળ તમિલનાડુના અને હાલ વેરાવળમાં સ્થાયી થયેલા તમિલ સમુદાય પણ ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ નગારાના તાલે કુમકુમ તિલક કરી ૩૦૦થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું કાઠીયાવાડી પરંપરા મુજબ પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી મંત્રી સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવકારથી આનંદીત થયેલા મહેમાનો પણ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે ઝૂમી ઉઠયા હતા.

તમિલનાડુથી આવેલ સર્વેને લાલ જાજમ પર સોમનાથ સંસ્કૃત યુનિવસટીના 40 વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આવકારવામાં આવ્યા હતા.  આ સમયે 'ભારત માતા કી જય' અને 'જય સોમનાથ'ના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમને વતનમાં આવીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. રસ્તામાં અમારું ઠેર-ઠેર લાગણીપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. તમિલનાડુથી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં પ્રથમવાર આવતા તેઓ આ પ્રવાસથી ખુશખુશાલ જણાતા હતા. તેઓની સાથે આવેલ કન્વીનર એ.આર મહાલક્ષ્મીએ આ તકે પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે, અમે અમારા વતન સાથે પુન: જોડાવા જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ ખુશી છે. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓને આવકારવા અગ્રણીઓ, સોમનાથ સંસ્કૃત યુનિવસટી સહિત વિવિધ કોલેજો અને શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિકો દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે પ્રવાસી આમંત્રિતોનું ભાવભીનું સ્વાગત કરવામા આવ્યું હતું.

Gujarat
IPL-2023
Magazines