Updated: Jan 2nd, 2023
તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામે રમતવીરો માટે આગવી વ્યવસ્થા : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રૂરલ ડિસ્ટ્રિક્ટની માન્યતા આપે તો તાલાલા પંથકના યુવાનોને ઘર આંગણે જ સિલેક્શનની સુવિધા મળે
તાલાલા, : તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામે ગીર ક્રિકેટ એસોસિએશન દ્વારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તેર વીઘા જમીનમાં નેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થતા ક્રિકેટ પ્રેમી યુવા ધનમાં ખુશી જોવા મળે છે.
એસોસિએશનના પ્રમુખ આર.ડી.કાલાવડીયા પાસેથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના ક્રિકેટ પ્રેમી યુવાનોમાં રમત પ્રત્યે અવેરનેસ વધે,યુવાનોની ક્ષમતા બહાર લાવવાના મુખ્ય ધ્યેય સાથે વીરપુર ગીર ગામે પ્રકૃતિના સાનિધ્યમાં 13 વીઘા જમીનમાં 65 મીટર બાઉન્ડ્રી સાથે નેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવેલ છે આ ગ્રાઉન્ડમાં ચાર ટફ વિકેટ,એક એસ્ટ્રોટફ વિકેટ,ત્રણ સિમેન્ટ વિકેટ,પ્રેક્ટિસ માટે બે ટફ વિકેટ સાથે સીઝન બોલ ક્રિકેટને પ્રોત્સાહન આપતું ગીર સોમનાથ જિલ્લાનું પ્રથમ ક્રિકેટ મેદાન તૈયાર થયું છે,જેમાં અત્યારે 100 જેટલા રમતવીર યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે તેમજ આ ગ્રાઉન્ડમાં ઇન્ટર એકેડેમી મેચો રમાઈ રહ્યા છે.
કોચ ભાવિકસિંહ ગોહિલના જણાવ્યા મુજબ તાલાલા પંથકમાં એક વર્ષ સુધી વિવિધ વિસ્તારમાં સર્વે કરાવ્યું,જેમાં તાલાલા પંથકના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે જબરો લગાવ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સમક્ષ ગીર ક્રિકેટ એસોસિએશન દ્વારા વિરપુર ગીર ખાતે તૈયાર થયેલા નેશનલ કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડને રૂરલ ડીસ્ટ્રીકની માન્યતા આપવા માંગણી કરવામાં આવી છે. જો આ માંગણીનો સ્વીકાર કરવામાં આવે તો તાલાલા પંથક સહિત ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા રમતવીર યુવાનોમાં સીઝન ક્રિકેટ બાબતે જાગૃતિ આવે તેમજ ડીસ્ટ્રીક લેવલના મેચોમાં રમવાની તક મળે તથા સિલેક્શન માટે અન્ય ડિસ્ટ્રિક્ટ માં જવું પડે નહીં.આ ઉપરાંત ડીસ્ટ્રીક લેવલના મેચો પણ વીરપુર ગીર ગામના ગ્રાઉન્ડ ઉપર રમાઈ શકે.