ઉના તાલુકાના માઢ ગામની સીમમાં પિતરાઈ ભાઈની હત્યા
- શેઢાની તકરારમાં ભાલાના બે ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું, પિતા-પુત્રની ધરપકડ
ઉના, તા. 11 મે 2020, સોમવાર
ઉના તાલુકાના માઢ ગામની સીમમાં ગત રાત્રિ દરમ્યાન મનુ કાનાભાઈ ડોડિયાને ભાલાના બે ઘા ઝીંકીને તેના પિતરાઈ ભાઈ ભરત વીરાભાઈ ડોડિયાએ ઢીમ ઢાળી દીધું હતું. શેઢાની તકરારમાં ચાલતી અદાવત છેવટે એક જ કુટુંબ માટે લોહિયાળ બની હતી.
આ બનાવ વખતે ભરતનો પિતા વીરા વેલાભાઈ ડોડિયા પણ સામેલ હોઈ પોલીસે મૃતક મનુભાઈની પત્ની મનીષાબેનની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી ભરત તથા એના પિતા વીરા ડોડિયાની ધરપકડ કરી લીધી હતી.
મનીષાબેનની ફરિયાદ મુજબ ગત રાતે તેનો પતિ મનુ તથા સસરા કાનાભાઈ ઓસરીમાં સૂતા હતા ત્યારે બન્ને શખ્સ આવ્યા હતા. 6 માસ પહેલાં ખેતરના શેઢે પાણીની પાઇપ નાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. એની અદાવતમાં હત્યા નીપજાવવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.