Get The App

સોમનાથ જિલ્લામાં ચોમાસુ વાવેતર સારી મેઘમહેરનાં પગલે બમણું

- 12 જૂને 73,996તો 26 જૂને 1,45.021 હેકટર

સૌથી વધુ એક લાખથી વધુ હેકટરમાં મગફળીની વાવણી

Updated: Jul 8th, 2020

GS TEAM

Google News
Google News
સોમનાથ જિલ્લામાં ચોમાસુ વાવેતર સારી મેઘમહેરનાં પગલે બમણું 1 - image


ભાદરવા માસથી જ આવક ચાલુ થઇ જવાની શકયતા

પ્રભાસપાટણ, તા. 8 જુલાઈ, 2020, બુધવાર

ગીર સોમનાથ જિલ્લામાં  મેઘ મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે અને સારા વરસાદથી કોરોના ભીતિની નિરાશા ભુલાઇ જવા સાથે મબલખ પાકની આશાએ લોકોના ચહેરા ઉપર ચમક આવી છે. વળી, ગીર સોમનાથ જિલ્લામાં બીજા તબક્કામાં વાવેતરમાં બમણો ઉછાળો આવ્યો છે. જેમાં મગફળી ટોચ ઉપર રહી છે.

ગીર - સોમનાથ જિલ્લા ખેતીવાડી ખાતું ચાલુ ખરીફ પાકની મોસમમાં પખવાડીક રીતે જિલ્લામાં થયેલા વાવેતર ઉપર નોંધ કરી રહ્યું છે. જે પ્રમાણે ગીર સોમનાથમાં તા. ૧૨ જૂન કરતા તા. ૨૬ જૂનના રોજ થયેલા વાવેતરના આંકડા જોઇએ તો બમણું થઇ ગયું છે. 

સોમનાથ જિલ્લામાં તા. ૧૨-૬-૨૦ ના રોજ ૬૧૧૦૬ હેકટરમાં મગફળીનું વાવેતર થયું હતું. જે સારો વરસાદ થતાં તા. ૨૬-૬-૨૦ સુધીમાં ૧૦૨૧૭૪ હેકટરમાં વાવેતર પહોંચી ગયું છે. તેવી જ રીતે જિલ્લામાં તા. ૧૨-૬ ના રોજ ૩૩૫૨ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. જે તા. ૨૬-૬-૨૦ની સ્થિતિએ ૧૨૩૭૪ હેકટરમાં થયું છે. તમામ પ્રકારના પાક જોઇએ તો જિલ્લામાં તા. ૧૨-૬ ના સ્થિતિએ કુલ વાવેતર ૭૩૯૯૬ થયું હતું, જે તા. ૨૬-૬-૨૦ ની સ્થિતિએ ૧૪૫૦૨૧ હેકટરમાં પહોંચી ગયું છે. 

આ વિસ્તારના ખેડૂતોમાં વાવેતરમાં મગફળી હોટ ફેવરીટ છે. તેના કારણોમાં આ વિસ્તારની જમીન મગફળીના ઉગવા માટે અનુકૂળ છે. આબોહવા પણ તેને માફક આવે છે. તેમજ જમીન નાઇટ્રોજન યુક્ત બેકટેરીયાનું પ્રમાણ જમીનમાં પુષ્કળ પ્રમાણમાં હોઇ તેમજ  કાળી ગોરાડુ માટી કારણે મગફળીનો પુષ્કળ પાક થાય છે. વળી, આ વરસે અધિક માસ હોવાથી નવી મગફળી ભાદરવો અથવા તો પહેલાં આસોમાં જ આવી જશે. સામાન્ય રીતે દિવાળી આસપાસ આવકો થતી હોય છે અને કાદચ વર્ષો બાદ એવું પણ બને કે સીંગદાણાના કારખાનાઓ શ્રાધ્ધ પક્ષમાં પણ ચાલુ થઇ જશે અને જેથી ધનતેરસના દિવસોમાં સાચા અર્થમાં લક્ષ્મીદેવી પધરામણી કરશે. 

વર્ષ ૨૦૧૮ - ૧૯માં ખરીફ સીઝનમાં અંદાજીત ૧૪૯૩૩૨ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેમાં મુખ્યત્વે ૯૭૧૨૪ હેકટરમાં મગફળીનું વાવેતર હતું. ચાલુ વર્ષે ગીર સોમનાથના મચ્છુન્દ્રી, રાવલ, દ્વોણેશ્વર ડેમો છલકાઇ ચૂક્યા છે તો જમજીરનો ધોધ અવિરત વહી અલૌકીક દ્રશ્ય ખડું કરે છે. જિલ્લામાં ધીમીધારે વરસાદ અને વરાપ બાદ ફરી વરસાદ પાકને કાચુ સોનું બનાવે છે. જેથી હજુ વાવેતર વધવાની પૂરી શક્યતા છે. 

Tags :