Updated: May 24th, 2023
ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તપાસ માટે જનારા પોલીસ કર્મીને ઢીકાપાટુનો માર માર્યો 'હું સમાજનો પ્રમુખ છું, તમે અહીં કેમ તપાસ માટે આવ્યા છો ?' કહી ટોળું પોલીસ કર્મી ઉપર તૂટી પડયુંઃ 14 શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુનો
વેરાવળ, : અહીં વેરાવળના રામભરોસા પોલીસ ચોકીના બે કર્મચારીઓ કોલસાવાડી વિસ્તારમાં આવેલી ઝૂંપડટ્ટીમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓની તપાસ માટે ગયા હતા ત્યારે ટોળાએ એકત્ર થઈ બન્ને પોલીસ કર્મીઓ ઉપર હૂમલો કરતા તાકીદે બન્ને પોલીસકર્મીઓએ પીસીઆર વાનને બોલાવી હતી. પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ પીસીઆર વાનમાં આવેલા કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરતા ૧૪ શખ્સોનાં ટોળા સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વેરાવળ રામભરોસા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા રાહુલસિંહ લક્ષ્મણસિંહ ઝાલા, ભાવિસિંહભાઈ અરશીભાઈ ચૌહાણ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કોલસાવાડી ઝૂંપડપટ્ટીમાં અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલા કાળુ કુળજી સોલંકીની તપાસ માટે ગયા હતા. તેના ઝૂંપડામાં તે હાજર ન હોવાથી બાજુમાં રહેતા સુરેશ મનજી સોલંકીએ 'કેમ અમારી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવો છો હું સમાજનો પ્રમુખ છું મને પુછયા વગર કેમ આવ્યા' તેમ કહી ઉશ્કેરાઈ જઈ જેમ તેમ બિભત્સ શબ્દો બોલવા લાગ્યા હતા. જેથી તેની સાથે રહેલા ભોલા મનજી, મંગલ મનજી, કરણ સુરેશ, મંજુબેન સોલંકી, કમલાબેન સોલંકી, કીશન મનજી, ચંદ્રીકા મનજી, પારૂ ધીરૂ, દક્ષા ધીરૂ, સોનલ, ચંદ્રીકા, વિક્રમ સુરેશ, સંજય સુરેશ, રૂપા સુરેશ સહીત અજાણ્યા સ્ત્રી પુરૂષોના ટોળાએ ઉશ્કેરાઈ જઈ હૂમલો કરી ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુ માર મારતા બન્ને પોલીસ કર્મચારીઓને પી.સી.આર. વાનને જાણ કરી હતી. તેથી પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચતા તેની ઉપર પણ હુમલો કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ આવા અનેક વિસ્તારોમાં જયારે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવવા જાય છે ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આવા જે વિસ્તારો છે ત્યાં ટોળાઓ દ્વારા ઘેરી લેવામાં આવે છે. આ સંજોગોમાં પોલીસે ફરજ રૂકાવટ, રાયોટીંગ સહીતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.