મીટરના અભાવે તાલાલામા સોલાર પેનલ શોભાના ગાંઠીયા સમાન!
- સસ્તી - ઘરેલું વીજળીની યોજનામાં જ છીંડું
- 35 થી 40 ગ્રાહકોએ પચાસ હજારથી બે લાખ રૂપિયા ભરપાઇ કરીને મેળવેલી સોલાર સિસ્ટમ્સ હાલ નકામી
તાલાલા, તા. 18 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
તાલાલા શહેર તથા તાલુકામાં પીજીવીસીએલના મીટરના અભાવે ગ્રાહકોએ લગાવેલા સોલાર ધૂળ ખાતા હોવાથી પીજીવીસીએલના સત્તાવાળાઓ તુરંત ગ્રાહકોએ ફીટ કરાવેલા સોલારમાં મીટર લગાવે તેવી પ્રબળ માગણી ઉઠી છે.
પીજીવીસીએલના તાલાલા પંથકના ગ્રાહકોએ જણાવેલ વિગત પ્રમાણે તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ૩૫ થી ૪૦ ગ્રાહકોએ રૂા. ૫૦ હજારથી રૂા. બે લાખ સુધીના આપેલ કોટેશનની રકમ ભરી પોતાને ત્યાં સોલારની માગણી કરેલ. જેના અંતર્ગત કોન્ટ્રાકટરે ગ્રાહકોને ત્યાં સોલાર લગાવી આપેલ છે.
પરંતુ પીજીવીસીએલ તરફથી લગાવવામાં આવતું મીટર હજી સુધી લગાવેલ નથી. પરિણામે તાલાલા પંથકના ગ્રાહકોએ લગાવેલ સોલાર 'શોભાના ગાંઠીયા' બની ગયા છે. પીજીવીસીએલના ઉચ્ચ સત્તાવાળાઓ આ અંગે ત્વરીત તપાસ કરી સોલાર ફીટ કરાવેલ ગ્રાહકોને ત્યાં વિજ કંપનીનું મીટર લગાવી આપે તેવી પ્રબળ લોક માગણી ઉઠી છે.