પ્રભાસ પાટણ ખાતે આજથી કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાનો પ્રારંભ
- સોમનાથ મંદિર પાંચ દિવસ સુધી રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થે રહેશે ખુલ્લું
- મેળા માટે એકસ્ટ્રા બસો દોડાવાશેઃ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજનઃ ગોઠવાતો ચુસ્ત બંદોબસ્ત
વેરાવળ, તા. 10 નવેમ્બર 2019, રવિવાર
પ્રભાસપાટણ ખાતે સોમનાથ દાદાના સાનિધ્યમાં કાર્તિકી પુર્ણિમાના પાંચ દિવસીય લોકમેળાનો તા.૧૧મીથી પ્રારંભ થશે. લોકમેળાને માણવા માનવ મહેરામણ ઉમટી પડશે. મેળામાં ૩૦૦થી વધારે સ્ટોલ, ફજત ફાળકા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પાલિકા તથા એસ.ટી. દ્વારા મેળા મેદાન સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે. સોમનાથ મહાદેવ મંદિર પાંચ દિવસ સુધી રાત્રે ૧૧ વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લું રખાશે.
સોમનાથ ખાતે પાંચ દિવસ કાર્તિકી પુર્ણિમાના મેળાનો પ્રારંભ તા. ૧૧ ના રોજ સાંજે ૫.૩૦ કલાકે કરવામાં આવશે. સોમનાથ મહાદેવના સાંનિધ્ય સદ્ભાવના ગ્રાઉન્ડમાં પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાશે. જેમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા. ૧૧ થી ૧૫ સુધી ચાલનાર આ મેળા દરમિયાન રાત્રે ૧૧ વાગ્યા સુધી સોમનાથ મંદિર ખુલ્લુ રહેશે. તા. ૧૨ ને પુનમના દિવસે રાત્રે ૧ વાગ્યા સુધી મંદિર દર્શનાર્થે ખુલ્લું રહેશે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ હતું કે, ૬૪ વર્ષથી મેળો યોજાઇ રહ્યો છે. દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ કંઇક નવું કરી રહેલ છે. આ વર્ષે પણ આર્ટ ગેલેરી, ભારત દર્શન, જયોતિર્લિંગ દર્શન, પાઘડી, સાફા પ્રદર્શન, પાણીમાં રંગોળી, થીડી માધ્યમથી ઇતિહાસ, ફોટોગ્રાફી પ્રદર્શન, સરદાર અને સોમનાથ તથા પ્રભાસ સંસ્કૃતિનું પ્રદર્શન કઠપુતળ ખેલ, ગૌ પાલન અને ગાય માતાનું મહત્વ દર્શાવતી પ્રતિકૃતિ તેમજ ખાણીપીણીના સ્ટોલો, અને પ્રકારની રાઇડ રાખવામાં આવેલ છે. પાંચ દિવસના મેળામાં લાખો લોકો ઉમટી પડશે. આ મેળામાં રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી રોજીરોટી કમાવવા ધંધાર્થીઓને મોટી સંખ્યામાં આવી પહોંચે છે. તે તમામ પાથરણા પાથરીને બેસે છે.
વેરાવળથી મેળામાં જવા માટે એસ.ટી. દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. શંખ સર્કલથી મેળાના મેદાન સુધી અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીના પરબોની વ્યવસ્થા રાખવામાં આવે છે. આ ઉપરાંત મેળામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. પોલીસ, હોમગાર્ડ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.