કોડીનાર નજીક દરીયામાંથી ઈરાનનાં શંકાસ્પદ જહાજ અને ટગ ઝડપાયા
- કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓને દોડધામ, તપાસનો ધમધમાટ
- જહાજથી ખેંચીને ઈન્ડોનેશીયાની બે ટગને કુવૈત લઈ જતાં હતા, પણ ડીઝલ ખાલી થવા સાથેની દરીયાઈ દુર્ઘટનામાં એક ટગ ડૂબી ગયાની ક્રૂ મેમ્બરોની કેફિયત
- વિદેશી જહાજ અને ટગને આંતરીને મૂળ દ્વારકા બંદરે લાવી 14 ક્રૂ મેમ્બરોની સઘન પુછતાછ, શંકાસ્પદ પાવડરનો જથ્થો મળતા પરીક્ષણની કવાયત
ભારતીય કોસ્ટગાર્ડે ગત રાત્રીના કોડીનારથી દિવ વચ્ચેના દરિયામાંથી એક શંકાસ્પદ વિદેશી જહાજ અને એક વિદેશી ટગને ૧૪ ક્રૂ મેમ્બરો સાથે પકડી પાડી કોડીનારના મૂળ દ્વારકા બંદરે લાવી તેમાં ડ્રગ્સ જેવી વાંધાજનક વસ્તુઓ હોવાની શંકાના આધારે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. જેમાં જહાજ અને ટગનાં ૧૪ ક્રૂ મેમ્બરોની સઘન પૂછપરછ હાથ ધરી હતી. કોડીનારના દરિયામાં શંકાસ્પદ વિદેશી જહાજ-ટગ પકડાયા હોવાની ઘટનાના પગલે વિવિધ તપાસ એજન્સીઓની ટીમોએ પણ કોડીનાર દોડી આવી તપાસમાં જોડાઈ હતી.
આ અંગે આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઈરાનના જહાજ દ્વારા દિવનાં દરિયા નજીક પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરાતા ભારતીય કોસ્ટગાર્ડે આ સેટેલાઇટ કોલને આંતરી તેનું લોકેશન મેળવી દિવ-કોડીનાર વચ્ચેના દરીયામાં કોમ્બીંગ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
જેમાં ઈરાનનાં એક શંકાસ્પદ વિદેશી જહાજ અને તેની સાથે બાંધેલી એક ટગ નજરે પડતા જ દરિયાની વચ્ચે આંતરીને કોડીનારના મૂળ દ્વારકા બંદરે અબુંજાની જેટી ઉપર લાવી ચેકીંગ અને ૧૪ ક્રૂ મેમ્બરોની પુછતાછ સહિતની તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. આ રાષ્ટ્રીય સલામતીનો મુદ્દો હોવાથી કોસ્ટગાર્ડે વિવિધ સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરતા આઈ.બી., ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડે, એફ.એસ.એલ., નાર્કોટેસ્ટ, એ.ટી.એસ., એસ.ઓ.જી., જામનગર પોલીસ સહિતની ટીમોએ કોડીનારમાં ધામા નાંખી શંકાસ્પદ જહાજ તથા ટગની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી.
સુત્રોમાંથી વધુમાં મળેલી વિગત મુજબ, સી-સેલ નામનું જહાજ ઈરાનનું હોવાનું અને તેનું રજિસ્ટ્રેશન ઇન્ડોનેશિયા નજીકના એક ટાપુનું હોવાનું જાણવા મળે છે. ઇન્ડોનેશિયાથી જહાજ ખેંચવાના બે નાના વહાણ(ટગ)ને કુવૈત પહોંચાડવાના હતા. જેથી એ બન્ને ટગને દોરડાથી બાંધીને આ જહાજ સાથે કુવૈત જઈ રહ્યું હતું. જે દરમિયાન રસ્તામાં ડીઝલ ખૂંટી જેવા સહિતની મુશ્કેલીઓનો સામનો કરી દિવ નજીક પહોંચતા, ત્યાં એક ટગનું દોરડું તૂટી જતાં એ એક ટગે દિવના દરિયામાં જળસમાધિ લીધી હતી. જ્યારે આ જહાજમાં ડીઝલ પુરૂ થઈ ગયું હોવાના કારણે કેટલાક સમયથી ત્યાંનાં દરિયામાં જ અટવાઈ પડી હતી.
આ શંકાસ્પદ ઈરાની જહાજમાં પ ભારતીય અને ઈરાનના ૯ મળી કુલ ૧૪ ક્રૂ મેમ્બરો સવાર હોવાનું તેમજ જહાજમાંથી સફેદ પાવડર જેવું કંઈક વાંધાજનક મળી આવ્યું હોય તેનું પરીક્ષણ કરવાની કામગીરી જહાજમાં જ શરૂ કરવામાં આવી હતી. આ સાથે તમામ ૧૪ ક્રૂ મેમ્બરોની વિવિધ એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દરિયામાં ગરકાવ થયેલી અન્ય એક ટગની તપાસ ઇન્ડિયન એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
આ અંગે આજે મોડી સાંજ સુધી કોસ્ટગાર્ડ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નહોતું, પરંતુ તપાસ પુરી થયે જામનગર અથવા પોરબંદરથી નિવેદન રિલીઝ કરવામાં આવે તેવી શકયતા છે. હાલ છેલ્લા ૨ મહિનાના સમય ગાળામાં ગુજરાતની જળસીમામાંથી ડ્રગ્સના મોટા મોટા કન્સાઈનમેન્ટ પકડાઈ રહ્યા હોય તે જોતા આ જહાજમાં પણ ડ્રગ્સનો જથ્થો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
સૂત્રોનાં કહેવા મુજબ, દિવ-કોડીનારના દરિયામાંથી પ્રતિબંધીત સેટેલાઇટ કોલના કારણે પકડાયેલા આ જહાજ જો સેટેલાઇટ ફોનનો ઉપયોગ ના કરત તો આ જહાજ ભલે પછી તેમાં ડ્રગ્સ હોય કે ના હોય પણ પકડાયા વગર કોસ્ટગાર્ડને ઉઘતું રાખીને ભારતીય જળસીમામાંથી પસાર થઈ જવાની શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે દિવ-કોડીનારના રેઢા પટ્ટ દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલીગ શરૂ કરવા લોક માંગણી ઉઠવા પામી છે.