Updated: Apr 25th, 2023
અવારનવારના પારિવારિક ઝઘડાનું ગંભીર પરિણામ આવ્યુ બનાવના પગલે પોલીસે દોડી જઈ બારણા તોડી મૃતક મહિલા અને બેભાન પતિને હોસ્પિટલે ખસેડયા
વેરાવળ, : અહી સાંઈઠ ફૂટ રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્સની સામે રહેતા એક દંપતી વચ્ચે ઝઘડો થતાં બાળકોની ગેરહાજરીમાં પતિએ પત્નીને મોબાઈલ ફોન ચાર્જરના વાયરથી ગળાટૂંપો દઈ હત્યા નીપજાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પી લેતા સનસનાટી મચી ગઈ છે.
ઉપરોકત વિસ્તારમાં રહેતા વિજય ધનસુખ વાળા નામના ભોઈ યુવાન વારંવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. જેના કારણે એના બે બાળકો દાદા દાદી સાથે રહેતા હતા. આજે બપોરના સમયે વિજયે ઘરે જઈને એની પત્ની સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આ વખતે તેણે ઘરના બારણાં બંધ કરી દીધા હતા. ઝઘડો વધી ગયા બાદ વિજયે એની પત્ની રાધિકાન મોબાઈલ વાયરથી ગળાટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પછી તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઉગ્ર ઝઘડાનો અવાજ પાડોશીઓને સંભળાતા તેણે વિજયના સગાઓને જાણ કરી હતી. આથી બધા દોડી આવ્યા હતા. આ બધા ઘરે પહોંચી દરવાજો ખખડાવવા લાગ્યા હતા પણ ખૂલ્યો ન હતો. આથી પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડી નાખી અંદર પ્રવેશતા જ રાધિકા અને વિજય બન્ને બાજુ બાજુમાં પડેલા હતા. જેથી પોલીસે બન્નેને હોસ્પિટલે ખસેડયા હતા. ત્યાં રાધિકાને મૃત જાહેર કરી હતી. જયારે વિજયની સારવાર ચાલુ કરી છે.
પોલીસે જણાવ્યા મુજબ વિજય રોજ રોજ પત્ની પાસે પૈસા માગતો હતો. એમને ભાયુ ભાગમાં ફિશિંગ બોટ ચલાવવા માટે આપી હતી. અને જુદુ મકાન આપ્યું હતુ.રોજ રોજ એ ઝઘડા કરતો હતો. આજે આ બનાવ વધી ગયો હતો. પોલીસે વિજયને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પૂછપરછ ચાલુ કરી છે. હાલ તો આ બનાવથી બે નાના નાના બાળકો માતા વિહોણા બની ગયા છે અને આ ગુનામાં પિતા પોલીસ હવાલાતમાં રહેશે. આ બનાવથી સમગ્ર શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.