તાલાલા પંથકમાં રૂ. 8 કરોડના ખર્ચે થયેલી પાણી યોજના ઉપર પાણીઢોળ
શિંગોડા નદી ઉપર કુવા બનાવવાની કામગીરીના અભાવે : આંકોલવાડી,મંડોરણા,બામણાસા,રસુલપરા અને વાડલા ગીર ગામેથી ઉનાળાના પ્રારંભે જ પીવાનાં પાણીનો પોકાર ઉઠયો
તાલાલા ગીર,: તાલાલા પંથકના આંકોલવાડી ગીર,રસુલપરા ગીર,વાડલા ગીર,મંડોરણા ગીર,બામણાસા ગીર ગામની પ્રજાને ઘરબેઠા પીવાનું પાણી આપવા સરકારે જામવાળા શિંગોડા નદી ઉપરથી પાણી લાવવા રૂ.આઠ કરોડના ખર્ચે બનાવેલ પાંચ ગામની જુથ પાણી યોજના કુવાના અભાવે ધુળ ખાતી હોવાથી યોજનાનું જ પાણીઢોળ થઈ ગયાનો તાલ થયો છે.
ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરતી પાંચ ગામની 25,000 માનવ વસ્તી તથા દશ હજાર કિંમતી પશુધનને સરળતાથી પીવાનું પાણી આપવા તુરંત આંકોલવાડી ગીર જુથ પાણી યોજના શરૂ કરવા તાલાલા પંથક ભારતીય કિસાન સંઘના અગ્રણી ભરતભાઈ સોજીત્રાએ ગીર સોમનાથ જિલ્લા કલેકટર સમક્ષ માંગણી કરી છે.
કલેકટર ને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આંકોલવાડી ગીર વિસ્તારમાં ઉનાળાના કપરા દિવસોમાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ છે.જેના ઉકેલ માટે અગાઉે સરકારે જામવાળાની શિંગોડા નદીથી પાણી લાવવા રૂ.આઠ કરોડના ખર્ચે જુથ પાણી પુરવઠા યોજના બનાવી હતી,આ યોજના ની કામગીરી બે વર્ષ પહેલાં પૂર્ણ થઈ છે,પરંતુ નદી ઉપર કુવો બનાવવામાં આવેલ નથી. પરીણામે આંકોલવાડી ગીર વિસ્તારનાં પાંચેય ગામમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાથરેલ પાણીની પાઈપ લાઈન તથા પાણી એકઠું કરવા માટે બનાવેલ પાણીના મોટા મોટા સંપ તંત્રની બેદરકારીના કારણે ધુળ ખાય છે.આ યોજના કાર્યાન્વિત થઈ નથી.આ અંગે છેલ્લા બે વર્ષથી સરકાર તથા પાણી પુરવઠા વિભાગ સમક્ષ અવિરત રજુઆત કરવામાં આવી છતાં પણ કુવો બનાવવા બે વર્ષથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં, પ્રજાનાં પ્રતિનિધિઓ પણ ઉદાસીન હોય જેથી આખી યોજના શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે,આંકોલવાડી ગીર વિસ્તારની પ્રજા ભારે રોષ સાથે પાણી યોજનાના મીઠાં ફળ ક્યારે ચાખવા મળશે તેવો સો મણનો સવાલ કરી રહી છે.