Updated: Mar 26th, 2023
આજે સ્ટોલની હરરાજી થાય એ પહેલા દુર્ઘટના સર્જાઈ : ડોમના સ્ટ્રકચરમાં લોખંડની ડિઝાઈન ફિટ કરતા કલકતાના બે મજુરો બાર ફૂટ ઉપરથી નીચે પટકાયા, બન્નેને પોરબંદર બાદ રાજકોટ ખસેડાયા
માધવપુર, : આગામી તા. 30 થી શરૂ થતાં માધવપુરના ભાતીગળ મેળા માટે બનેલા ડોમમાં આજે અચાનક ઝંઝાવાતી પવન ભરાઈ જતાં ડોમનો એક ભાગ ઊંચકાઈને તુટી પડતા ડોમના સ્ટ્રકચરમાં લોખંડની ડિઝાઈન ફિટ કરતા બંગાળના બે મજુરો બાર ફૂટ નીચે પટકાતા બન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ પોરબંદર અને એ પછી એક મજુરની હાલત ગંભીર હોવાથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વધુ વિગત મુજબ માધવપુર મેળાની તડામાર તૈયારી ચાલી રહી છે આગામી તા. 30મીથી તા. 2 સુધી અહી મેળો યોજાનાર છે અને આ મેળામાં રાજય અને કેન્દ્રકક્ષાના મહાનુભાવો પણ હાજર રહેવાના છે. દેશના ફલક પર આ મેળાની મોટી ઓળખ ઉભી કરવાની છે. એ માટે અહી પંદર વીઘા જમીનમાં મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. તેમજ 100થી વધુ સ્ટોલ બની ચૂક્યા છે. જેની સોમવારે જાહેર હરરાજી રાખવામાં આવી છે.
આજે આ ડોમમાં લોખંડના માધ્યમથી સુશોભન ગોઠવી સ્ટ્રકચર ઉભા કરવાની કામગીરી ચાલતી હતી. આ માટે બંગાળના કારીગરો ઉપર ચડીને કામ કરી રહેલા હતા .રવિવારે સાંજના પાંચ કલાકે અચાનક વાજડી જેવો પવન ફૂંકાવા લાગતા ડોમમાં ડિઝાઈન ફીટ કરવાનું કામ કરી રહેલા ઉત્પલ રાજવાન (ઉવ.35) રહે કલકતા હાલ માધવપુર, અને મંગલ રાજવાન રહે કલકતા ઉવ.30 ડોમના એક ભાગ સમેત બાર ફુટ ઉંચેથી નીચે પટકાતા સન્નાટો મચી ગયો હતો. આ બનાવમાં બન્નેને ગંભીર ઈજા થઈ હતી. જેમાં ઉત્પલના મોઢાના ઝડબાનો ફુરચો બોલી ગયો હતો. અને મંગલને શરીરમાં અનેક જગ્યાએ ઈજાઓ થઈ હતી. જેથી બન્નેનેે પ્રથમ 108 મારફત માધવપુરના સરકારી દવાખાને ખસેડયા હતા. બાદમાં બન્નેને પોરબંદર અને એ પછી રાજકોટ સારવારમાં ખસેડયા હતા.