Updated: Mar 26th, 2023
સસરાની અંતિમવિધીમાં પણ ગઇ નહોતી : મરણ પથારીએ પડેલા પિતાની સારવાર માટે જતા પતિને રોકવાની ચેષ્ટા પત્નીની ક્રૂરતા ગણાય: કોર્ટ
સુરત- વેરાવળ : સાસુ-સસરાની સેવા કરવાને બદલે ઉપેક્ષા કરવા તથા મરણ પથારીએ પડેલા પિતાની સારવાર માટે જવા માંગતા પતિને રોકવાની ચેષ્ટા કરી ક્રૂરતા આચરી પતિનો છેલ્લાં છ વર્ષોથી સ્વેચ્છાએ ત્યાગ કરીને પિયરમાં રહેતી પત્નીની ક્રૂરતાના કારણોસર પતિએ કરેલી છુટાછેડાની માંગ પર સુરત ફેમીલી કોર્ટના જજ આઈ.બી.પઠાણે મંજુરીની મહોર મારતો હુકમ કર્યો છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા કેતનભાઈના લગ્ન વર્ષ- 2015માં વેરાવળ ખાતે રહેતી ચેતના બેન સાથે થયા હતા.લગ્નજીવનથી દંપતિને ત્યાં એક પુત્રીનો જન્મ થયો હતો.પરંતુ લગ્નજીવનના થોડા જ વર્ષોમાં સંયુક્ત કુટુંબથી અલગ રહેવા માટે પત્નીએ પતિને દબાણ કરીને કજીયો કંકાશ કરવાનું શરૂ કર્યું હતુ.પતિની ગેરહાજરીમાં વૃધ્ધ સાસુ-સસરાની દેખભાળ રાખવાને બદલે વારંવાર અપમાન કરી ત્રાસ આપીને મારઝુડ પણ કરતા હતા.
તદુપરાંત પતિ કેતનભાઈ સાથે તેમના બિમાર પિતાને મુંબઈ હોસ્પિટલમાં જતાં રોકવા માટે પત્ની ચેતનાબેને ઝઘડો કર્યો હતો.તેમ છતાં મરણ પથારીએ પડેલા પિતાને દેખભાળ માટે ગયેલા પતિએ માતાપિતાને સુરત લાવવાની વાત કરતાં પત્ની ચેતનાબેને વર્ષ- 2017માં પતિ સાથે ઝઘડો કરી સ્વૈચ્છાએ ઘર છોડીમે પિયરમાં આશરો લીધો હતો. છેલ્લાં 6 વર્ષો સ્વૈચ્છાએ પતિનો ત્યાગ કરીને પિયરમાં રહેતા પત્ની ચેતનાબેન વિરૂધ્ધ પતિ કેતનભાઈએ પ્રીતીબેન જોશી તથા નિખિલ રાવાલ મારફતે પત્નીની ક્રૂરતાના કારણોસર છુટાછેડા માટે ફેમીલી કોર્ટમાં માંગ કરી હતી.જેની સુનાવણી બાદ ફેમીલી કોર્ટે પતિની છુટાછેડાની માંગ પર મંજુરીની મહોર મારતા જણાવ્યુ હતું કે સાસુ સસરાની સેવા કરવાને બદલે પતિને તેના માતાપિતાથી અલગ રાખવા દબાણ કરી ઝઘડો કરવો તે માનસિક ક્રૂરતા છે.સસરાની અંતિમ વિધીમાં પત્નીની ગેરહાજર રહેવું તથા સાસુ સસરાને ત્રાસ આપી મારઝુડ કરવાની વૃત્તિ પણ પત્નીની ક્રૂરતા ગણાય.