ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્ટ ઓફ કોર્ટની અરજી થતા આગામી સોમવારે સુનાવણી
વેરાવળના ડો. અતુલ ચગ આપઘાત પ્રકરણમાં ચાર પોલીસ અધિકારીઓએ સુપ્રિમ કોર્ટના ચુકાદાનું તેમજ રાજ્ય સરકારના પરીપત્રનું પાલન નહીં કરતા ન્યાય માટે હાઇકોર્ટમાં ધા
વેરાવળ, : વેરાવળના ડો. અતુલ ચગ આત્મહત્યાના 27 દિવસ વિતી જવા છતા પોલીસ દ્વારા ફરિયાદ લેવાયેલ ન હોય જેથી પરિવાર દ્વારા હાઇકોર્ટમાં જઇ ચાર જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્ટ ઓફ કોર્ટ દાખલ કરી હતી જેની સુનાવણી તા. ૧૩ના સોમવારે કરવામાં આવશે.
વેરાવળના ડો. અતુલ ચગ આત્મહત્યા પ્રકરણમાં ફરિયાદી હીતાર્થ ચગે પોલીસને ફરિયાદ આપી હોવા છતાં 22 દિવસથી ગુનો દાખલ નહીં કરાતા ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્ટ ઓફ કોર્ટ ચાર અધિકારીઓ સામે દાખલ કરાયેલ છે તેમાં તપાસનીશ અધિકારી પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજીએ સુપ્રિમ કોર્ટના ચુકાદાનું પાલન કરેલ ન હોય તેમજ ગુજરાત રાજ્યના પરીપત્રનું પણ ધ્યાનમાં લીધેલ ન હોય બન્નેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આવા આત્મહત્યા પ્રકરણની અંદર સાત દિવસની અંદર ગુનો બનતો ન હોય તો ફરિયાદીને જાણ કરી દેવાની હોય છે તેમ છતા કોઇ જાણ કરવામાં આવી નથી.
પરિવારજનોએ વધુમાં જણાવેલ હતું કે ફરિયાદમાં જુનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેના પિતા નારણભાઈ ચુડાસમા વિરૂધ્ધ તમામ પુરાવાઓ સાથે ફરિયાદ આપેલ છે. વારંવાર નિવેદનો લેવામાં આવેલ છે તેમજ પુરાવા માટે અનેક કાગળો આપવામાં આવ્યા છે. વધુમાં આઈજીએ ઇણાજ બોલાવી તમામ અધિકારીઓની હાજરીમાં પણ પુછપરછ કરી. તેમ છતા કોઇ કાર્યવાહી થયેલ નથી. આગેવાનોની રજૂઆત બાદ પોલીસ સુત્રોએ જણાવેલ હતું કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું પરંતુ આખરે ન્યાય નહીં મળતા ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હોવાનું જણાવાયું હતું.