ગીરઃ વધુ બે સિંહોના મોત થયા? વન વિભાગનો ઈનકાર
રાજકોટ, તા. 30. સપ્ટેમ્બર 2018 રવિવાર
ગીર અભ્યારણમાં ગઈકાલે વનમંત્રીએ 14 સિંહોના મોત થયા બાદ પણ વન વિભાગને શાબાશી આપી હતી ત્યારે જ વધુ બે સિંહોના સારવાર દરમિયાન મોત થયા હતા.
આમ ગીર અભ્યારણ્યામાં દલખાણિયા રેન્જમાં મોતને ભેટેલા સિંહોનો આંકડો 16 પર પહોંચ્યો છે. આ રેન્જમાંથી રેસ્ક્યુ કરાયેલા સિંહોની સારવાર ચાલી રહી છે અને આ દરમિયાનમાં જ વધુ બે સિંહોના મોત નીપજ્યા છે.
જોકે વન વિભાગના અધિકારીઓ આ ખબરનો ઈનકાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દરખાણિયા રેન્જમાં 14 સિંહોના મોત થયા બાદ આ રેન્જમાંથી લગભગ 35 જેટલા સિંહોને રેસ્ક્યુ કરીને અલગ અલગ સેન્ટરમાં સારવાર અને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
વન વિભાગ ભલે સબ સલામત હોવાનો દાવો કરતો હોય અને વનમંત્રી ભલે પોતે જ વન વિભાગની પીઠ થાબડતા હોય પણ આટલી મોટી સંખ્યામાં સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય તેનાથી જ લાગી રહ્યુ છે કે સ્થિતિ વન વિભાગ કહે છે કે વન મંત્રી કહે છે તેટલી સામાન્ય તો નથી જ.