સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાની તૈયારીને આખરી ઓપ
- વેદમંત્રોચ્ચાર અને આતશબાજી વચ્ચે 19મીથી પ્રારંભ
કાર્તિકી પૂનમની રાત્રિના ૧૨ વાગ્યે ભગવાન શિવની મહાપૂજા થાય ત્યારે ચંદ્ર મંદિરના શિખર ઉપર એવી રીતે ગોઠવાય છે જાણે ભગવાને ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો હોય
પ્રભાસપાટણ, તા.17 નવેમ્બર 2018, શનિવાર
સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. લોકમેળાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૧૯મીએ સાંજના ૫-૩૦ કલાકે ઢોલ-શરણાઈ, પવિત્ર વેદમંત્રોચ્ચાર અને આતશબાજીની ધુમધડાકા સાથે પંચદિવસીય મેળાનું ઉદઘાટન થશે.
એક એવી માન્યતા છે કે કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયના શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર એવી વિશેષ રીતે પ્રકાશે છે કે જે ખગોળશાસ્ત્રીય વિશેષતા છે કે પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંન્દ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય.
ઈતિહાસ ગાથા એ પણ કહે છે ''સોમનાથ જેવા પ્રાચીન શિવાલયમાં કુમારપાળે વિક્રમ સવંત ૧૨૨૫માં સોમનાથનો જીર્ણોદ્ધાર કરીને નવી પ્રાણપ્રતિષ્ઠા કાર્તિક પૂર્ણિમાએ કરેલી અને તે પહેલાં ભીમદેવ પહેલાએ સવંત ૧૦૮૬માં સોમનાથ મહાદેવને પુજીને કાર્તિક પૂનમે ગ્રામદાન કરેલું.
આચાર્ય શ્રી હેમચન્દ્રાચાર્યએ દ્રયાશ્રય કાવ્યમાં સોમનાથમાં ઉજવાતા પર્વો- ઉત્સવો જેવા કે વસંતોત્સવ, ગ્રીષ્મ પર્વ અને શિવ- પાર્વતીના પ્રસંગોએ વર્ષમાં શિવની ચાર યાત્રા નીકળતી તેનું તાદ્રશ્ય વર્ણન કર્યું છે.
સોલંકી કાળમાં આ તીર્થોમાં પર્વો પર નાટકો ભજવાતા અને અનેક કિંમતી સામગ્રી દેવને અર્પણ થતી. આમ આપણે હાલના યુગમાં જેને મેળો કહીએ છીએ તેવો મેળા જેવો માહોલ પ્રાચીન યુગથી આ ધરતી ઉપર હતો.
બોમ્બે ગેઝેટીયરમાં પણ સોમનાથના તે યુગના મેળાનો ઉલ્લેખ છે. મિરાતે એહમદી ઈતિહાસ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે પેશ્વાના સમયમાં ચોથ ઉઘરાવવા માટે પ્રજાને રંજાડ થતા આ મેળો બંધ થયો હતો. આમ તેમાં પણ સોમનાથ મેળાનું સમર્થન છે.