વેરાવળમાં બે ઇંચ વરસાદમાં પણ અનેક વિસ્તારો જળબંબોળ
- તપેશ્વર મંદિરમાં શિવલિંગ સુધી પાણી ફરી વળ્યાં
- અનેક સ્થળોએ ગટરો પણ ઉભરાતા ગંદા પાણીની રેલમછેલ થવાથી લોકોને હેરાનગતિ, વેપારીઓમાં રોષ
વેરાવળ, તા. 4 જુલાઈ, 2020, શનિવાર
વેરાવળ, સોમનાથ, સુત્રાપાડામાં ૧૨ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતાં અનેક રોડ અને મુખ્ય બજારોમાં ભારે પાણી ભરાયા હતા. તપેશ્વર મંદિરની અંદર શિવલીંગ સુધી પાણી ઘૂસી ગયા હતાવેરાવળ શહેરમાં સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ક્યારેક ધીમીધાર, ક્યારેક મુશળધાર સ્વરૂપે ૧૨ કલાકમાં બે ઇંચ વરસાદ પડયો હતો. સુત્રાપાડામાં ૩૫ મીલીમીટર વરસાદ પડેલ છે. આ વરસાદ પડતા નગરપાલિકા રોડ રાજેન્દ્ર ભુવન રોડ, જન સમાજ રોડ, બસ સ્ટેન્ડ રોડ પાણી - પાણી થઇ ગયેલા હતા. તે જ રીતે ગાંધી રોડ, સટ્ટા બજાર, તપેશ્વર મંદિર રોડ, મુખ્ય બજારોમાં પણ એક ફુટથી વધારે પાણી ભરાઇ ગયેલા હતા. આ પાણી ભરાઇ જવાથી ગટરો ઉભરાઇ હતી. તેનું ગંદુ પાણી અને કચરો બહાર તરતા હતા. જેથી લોકો હેરાન થયા હતા.
તપેશ્વર મંદિરમાં શીવલીંગ સુધી પાણી ઘૂસી ગયેલા હતા. આ વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ મંદિર, હવેલીએ જતા દર્શનાર્થીઓએ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હતું તેમજ ગ્રાહકોએ પાણીમાં ઉભા રહીને ખરીદી કરવી પડી હતી. ફકત બે ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય રોડ તથા બજારોની આ પરિસ્થિતિ થતાં વેપારીઓ તથા પ્રજામાં ભારે રોષ વ્યાપેલ છે.
શહેરના અનેક વિસ્તારોમાં પણ પાણીની ભરાઇ જવાની સમસ્યા થયેલ હતી. સુત્રાપાડા જવાના રોડ ઉપર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો લોઢવા, વડોદરા ઝાલા, પ્રાંચીમાં પણ પાણી ભરાઇ ગયેલા હતા.