Gujarat

તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાના ધાંધિયા, 4 ગામના 250 ખેડૂતો વીજતંત્રની કચેરીએ ધસી ગયા

By GS Team
16 Jun 20201 min read
This article was originally published on 16 Jun 2020
તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાના ધાંધિયા, 4 ગામના 250 ખેડૂતો વીજતંત્રની કચેરીએ ધસી ગયા

 
તાલાલા, તા. 16 જૂન 2020, મંગળવાર

તાલાલા તાલુકાના ધુંસિયા ગીર ગામે આવેલા 66 કેવી હેઠળના બે વીજ ફિડર મારફત ગાભા, માલજીંજવા, ધ્રામણવા અને ઉમરેઠી ગીર ગામને અપાતો વીજપુરવઠો દિવસે અનિયમિત અને રાત્રે મળે તો મળે એવી ઊભી થયેલી પરિસ્થિતિથી 4 ગામના લોકો અને ખેડૂતો હેરાન થઈ ગયા હોવાનું જાણવા મળે છે.

ચારેય ગામના સરપંચોની આગેવાની હેઠળ મામલતદાર મારફતે રાજ્યના વીજમંત્રીને પાઠવવામાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે આ ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના પરિવારો ખેતર અને વાડી વિસ્તારમાં વસવાટ કરે છે.

વીજળી એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ તા. 1 જૂનથી તાલાલા તાલુકાના આ ચાર ગામના લોકો, ખેડૂતોને આપવામાં આવતો વીજપુરવઠો વીજ અધિકારીઓની મરજી પ્રમાણે આપવામાં આવી રહ્યો હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ચોમાસા પહેલાં વીજ લાઇનને નડતાં વૃક્ષોની ડાળીઓનું કટિંગ સહિતની મરામત કામગીરી કરવી જોઈએ. એ કામગીરી વીજલાઇનનો સર્વે કરાવી કરવાને બદલે માત્ર કાગળ પર કરવામાં આવી છે.

ગીર વિસ્તારમાં વીજતંત્રને ગ્રામજનો અને ખેડૂતોને બદલે અહીં આવેલા અદ્યતન રિસોર્ટ અને હોટલની સેવામાં વધુ રસ હોય એવા આક્ષેપો સાથે 250 ખેડૂતોએ નિયમિત વીજપુરવઠો પૂરો પાડવા માટે માગણી કરી હતી.