દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે આજથી 69મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
- 11મે, 1951ના રોજ ભવ્યતાથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી
- કાલે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સહિતના આયોજન
વેરાવળ,પ્રભાસપાટણ,ગુરૂવાર
વિશ્વ પ્રસિધ્ધ દ્વાદશ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે તા.૧૦મીથી ૬૯મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. જેમાં તા.૧૦મીએ ગીત - ગરબા તથા તા.૧૧મીએ સ્થાપના દિને વિશેષ શૃંગાર, મહાપુજા, ધ્વજારોહણ, મહામૃત્યુંજય યજ્ઞા, સરદાર વંદના વગેરે કાર્યક્રમો યોજાનાર છે. ભારતની આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ આવ્યા ત્યારે મંદિરની હાલત જોઈએ જીર્ણોધ્ધારનો સંકલ્પ લીધો હતો.
બાદમાં શ્રી સોમનાથ મંદિરે કૈલાશ મહામેરૂ પ્રસાદનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થતાં તા.૧૧મે, ૧૯૫૧નાં રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદનાં હસ્તે સવારે ૯.૪૬ વાગ્યે ભવ્યતાથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧૦૮ તીર્થોનું પવિત્ર જળ એકત્રિત કરવામાં આવ્યું હતું. સમુદ્રમાં ૫૧ બોટો ઉપર ફૂલોથી શણગારેલી ૧ તોપો રાખીને ૧૦૧ સલામી અપાઈ હતી. ૧૦૮ ભુદેવોનાં મંત્રોચ્ચાર વચ્ચે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.
આ ઐતિહાસિક પાવન દિવસ નિમિત્તે આવતીકાલ તા.૧૦મીથી ૬૯માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં આવતીકાલે તા.૧૦મીએ રાત્રે ૮ વાગ્યે સોમનાથનાં ચોપાટી મેદાન ખાતે ગીત ગરબા યોજાશે. બાદમાં તા.૧૧મીએ સ્થાપના દિને સોમનાથ મહાદેવ મંદિરે સવારે ૯.૪૬ વાગ્યે ૧૧ ભુદેવો દ્વારા મહાપુજા, શૃંગાર, પાઠાત્મક મહારૂદ્ર, મહામૃત્યુંજય યજ્ઞા, ધ્વજારોહણ થશે.