કાયદાકીય આંટીઘૂંટીનાં કારણે દીવ બહાર જન્મેલા દીવનાં બાળકો પોર્ટુગલનાં નાગરિકત્વથી વંચિત
- દીવની મહિલાને કોઈ કારણોસર અન્ય શહેરમાં પ્રસુતિ માટે જવું પડે તો બાળકના જન્મનો દાખલો પ્રસાસન આપતું ન હોઇ હેરાનગતી
દીવ,તા. 1 સપ્ટેમ્બર 2019, રવિવાર
કાયદાકીય આંટીઘુંટીના કારણે દીવના પરંતુ દીવ બહાર જન્મેલા બાળકોને પોર્ટુગલ નાગરિકત્વથી વંચિત રહેવું પડે છે. દીવના બાળકોને તેમના હક્કથી વંચિત ન રહેવું પડે તે અંગે યોગ્ય કરવા દીવ ખારવા સમાજના પૂર્વ પટેલે ગુ્રહમંત્રીને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યુંછે કે ભારત સરકારમાં ૧૯૬૨માં જન્મ અને મરણ નોંધણી નો કાયદો અમલમાં આવેલ છે. જે મુજબ જન્મ અને મરણ જે પ્રાંતમાં થાય એ પ્રાંતમાંથી જન્મ કે મરણનો દાખલો મળે છે. જે દાખલો દેશભરમાં માન્ય રહે છે. તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જ્યારે ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત થયું ત્યારે ભારત સરકારના કાયદા દીવમાં અમલી બન્યા એ વખતે પોર્ટુગીઝોએ ઇ.સ.૧૯૬૧ પહેલાના દીવમાં જન્મેલા હોય એવા દરેક દીવના નાગરીકોને પોર્ટુગલનું નાગરિકત્વ આપી પોર્ટુગલમાં ધંધો રોજગાર માટે સ્થાઈ થવા માટે કાયદાકીય રીતે જોગવાઈ કરેલ છે પરંતુ ક્યારેક કાયદાની આંટીઘુંટીના કારણે દીવના અમુક બાળકોને આ લાભથી વંચિત રહેવું પડે છે.
દીવમાં સરકારી હોસ્પિટલ છે. પરંતુ ક્યારેક ઓપરેશન અથવા અન્ય કોઈ કારણસર દર્દીઓને બહાર ગુજરાતમાં ખાનગી હોસ્પિટલમાં રીફર કરી દેવાતા હોય છે. જે મુજબ કોઈ પણ કારણસર દીવની સગર્ભા મહિલાએ દીવ બહાર કોઈ અન્ય શહેરમાં પ્રસુતિ માટે જવું પડે અને ત્યાં બાળકનો જન્મ થાય તો આ બાળકના માતા-પિતા દીવના અને પોર્ટુગલનું નાગરિકત્વ ધરાવતા હોય તો પણ બાળક દીવ બહાર અન્ય કોઈ જગ્યાએ જન્મ લેવાથી આ બાળકને જ્યાં જન્મ હોય ત્યાનો દાખલો મળે છે. જેથી દીવ પ્રશાસન દ્વારા એને જન્મનો દાખલો મળતો નથી.
પોર્ટુગીઝ એમ્બેસીમાં આ બાળકને દીવનું સાબિત કરવા માટે દિલ્હી પોર્ટુગીઝ એમ્બેસીની લાંબી પ્રક્રિયામાંથી પ્રસાર થવું પડે છે. પુરાવા રજુ કરીને ધક્કા ખાવા પડે છે. પરંતુ વર્ષો સુધી પોર્ટુગલનાં નાગરિકત્વથી વંચિત રહેવું પડે છે. આ અંગે યોગ્ય કરવા માંગ કરાઈ છે.