Gujarat

તાલાલા પંથકમાં હાલ નવા વીજ જોડાણો આપવાનું બંધ થતા હાલાકી

By GS Team
26 Jul 20202 mins read
This article was originally published on 26 Jul 2020
તાલાલા પંથકમાં હાલ નવા વીજ   જોડાણો આપવાનું બંધ થતા હાલાકી

સરકારી વિભાગોના ગજગ્રાહમાં પીસાતા પ્રજાજનો

તાલાલા, તા. 26 જુલાઈ, 2020, રવિવાર

તાલાલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેણાંક  તથા ખેતીવાડી માટે  વીજ જોડાણ મેળવવા વીજ કચેરી દ્વારા અરજદારો પાસેથી તલાટી કમ મંત્રીનું માલિકીનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. પરંતુ તલાટી  કમ મંત્રી ખેડૂતો સહિત ગ્રામીણ પ્રજાને માલિકીના પ્રમાણપત્રો આપવાની કામગીરી બંધ કરી હોય. સરકારના બે વિભાગો વચ્ચેના નીતિ નિયમો વચ્ચે ગ્રામીણ પ્રજાની સ્થિતી દયાજનક બની છે. આ અંગે તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘે આવેદન પત્ર આપ્યું છે. 

 મામલતદાર મારફત રાજ્યના મહેસુલ મંત્રીને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, તાલાલા પંથકના ૪૫ ગામોના ખેડૂતો તથા ગ્રામીણ પ્રજા વીજ જોડાણ મેળવવા માંગણી ફોર્મ ભરતા હતા. ત્યારે તમામ ગામના તલાટી કમ મંત્રીઓ  અરજદારોને મિલ્કતના માલિકા પ્રમાણપત્રો આપતા હતા. હવે તમામ ગામના તલાટી કમ મંત્રીઓએ કામગીરી બંધ કરી દેતા તાલાલા પંથકના ગ્રામીણ  વિસ્તારમાં નવા વીજ જોડાણની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. 

તાલાલા વીજ  કચેરી ના વીજ જોડાણ માટે સરકારે બનાવેલ નીતિ નિયમો બતાવી સરકારી પદાધિકારીઓના પ્રમાણપત્રો આપવા આગ્રહ રાખે છે. જ્યારે તલાટી કમ મંત્રીઓ કહે છે કે, સરકારી પદાધિકારીની વ્યાખ્યામાં અમે આવતા નથી. એટલે  અમારા કાર્યક્ષેત્રમાં આ કામગીરી આવતી નથી.  એટલે પ્રમાણપત્રો આપવાની કામગીરી બંધ કરવામાં આવી છે. આમ સરકારના  બે વ વિભાગોએ પોતાના નીતિ નિયમો બતાવી રહ્યા છે. પરિણામે ગ્રામીણ પ્રજા હેરાન થઇ રહી છે. વીજ જોડાણ મેળવવા માટે ઉભી થયેલ સમસ્યાનું તુરંત નિવારણ લાવવા માંગ કરાઇ છે.