Updated: Jan 1st, 2023
ટીખળખોર અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ : થર્ટી ફર્સ્ટની રાત્રે કોઈ શખ્સો સ્તંભ પરથી પ્રતિમા ઉતારીને થોડે દૂર મૂકી આવ્યા
તાલાલા ગીર, : તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામે મંડોરણા રોડ ઉપર આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ગત મોડી રાત્રે ગબડાવી નાખ્યાની ફરિયાદ તાલાલા પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે મંડોરણા રોડ ઉપર બે માસ પહેલા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ થયું હતું. 31 મી ડિસેમ્બર મોડી રાત્રીથી આજે સવાર દરમિયાન આ પ્રતિમાને નીચે ઉતારી કોઈ અજાણ્યા શખ્સો થોડે દૂર મૂકી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં દલિત સમાજના અગ્રણીઓ બનાવના સ્થળે દોડી જઈ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે આંકોલવાડી દલિત સમાજના અગ્રણી રમેશભાઈ સાગઠીયાની ફરિયાદ લઈ અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ ર૯પ, ૪ર૭ મુજબ ગુનો દાખલ કરી પી.એસ.આઈ. રાકેશ મારૂએ વધુ તપાસ હાથ ધરી છે. તાલાલા સી.પી.આઈ. એમ.યુ.મસી પણ બનાવના સ્થળે દોડી જઈ જરૂરી વિગતો તપાસમાં જોડાયા હતા.