Get The App

ગીર સોમનાથ જિલ્લાનાં પુરગ્રસ્ત વિસ્તારોમાં સોમવારથી સહાય ચુકવણું

- આજે સાંજ સુધીમાં સર્વેની કામગીરી થશે પૂર્ણ

- ઉના અને ગીરગઢડા તાલુકાનાં પાંચ ગામો સુધી હજુ વાહન વ્યવહાર પૂર્વવત નહીં થતાં ફૂડ પેકેટ મોકલાયા : રા

Updated: Jul 20th, 2018

GS TEAM

Google News
Google News

- સૌરાષ્ટ્રમાં મેઘવિરામ વચ્ચે માળીયા હાટીના, વિસાવદર, જામજોધપુરમાં અડધો ઈંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લાનાં પુરગ્રસ્ત વિસ્તારોમાં સોમવારથી સહાય ચુકવણું 1 - image(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, 20 જુલાઇ 2018 શુક્રવાર

સૌરાષ્ટ્રમાં ૧૨ દિવસ અનરાધાર વરસ્યા બાદ ગઈકાલથી મેઘવિરામ થયો હતો. જયારે આજે છૂટા છવાયા ઝાપટા વચ્ચે માળીયા હાટીના, વિસાવદર, જામજોધપુરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.

બીજી તરફ મેઘપ્રકોપથી અસરગ્રસ્ત ગીર સોમનાથ ને જૂનાગઢ ૨૦ જિલ્લાનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી તંત્રની રાહત - બચાવ અને સર્વેની કામગીરી આજે પણ ધમધમતી રહી હતી. જો કે, રાહત - સહાયમાં ખુબ વિલંબ થઈ રહ્યાનો અસરગ્રસ્તોમાં કચવાટ પણ છવાયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘવિરામ સાથે વરાપ નિકળતા જનજીવન ધીમે - ધીમે થાળે પડવા લાગ્યું છે. સતત ૧૦ દિવસ વરસેલા ભારે વરસાદના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત ઉના, ગીરગઢડા, કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં ૫૭ ટીમો દ્વારા રોકડ સહાય, મકાન સહાય, ઘરવખરી સહાય અને પશુમૃત્યું સહાયનો સર્વે શરૂ કરાયો છે.જે આવતીકાલે શનિવારે સાંજ સુધીમાં પૂર્ણ થશે.

ત્યારબાદ જમીન ધોવાણ અને ખેતીપાકને નુકસાન જેવી કૃષિ વિષયક બાબતો માટે ૩૪ ટીમો દ્વારા સર્વે થશે. આવતીકાલે પૂર્ણ થનાર સર્વેનો રવિવારે ફાઈનલ રિપોર્ટ તૈયાર કરીને તમામ મામલતદાર તથા ટીડીઓની હાજરીમ જ ગામડે ગામડે જઈને સ્થળ પર જ સોમવારથી સહાય ચુકવણી કરાશે, તેમ કલેકટર અજયપ્રકાશે જણાવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાનાં તમામ અસરગ્રસ્ત ગામડાનો સંપર્ક થઈ ગયો હોવાનો આજે વહિવટી તંત્રએ દાવો કર્યો હતો.

જો કે, ઉના અને ગીરગઢડા તાલુકાનાં ખત્રીવાડા અને માણેકપુર સહિતનાં પાંચ ગામડામાં ભરાયેલા પાણી અને તૂટેલા પુલ-રસ્તાનાં કારણે આજે પણ વાહન વ્યવહાર પૂર્વવત નહીં થઈ શકવાથી ફૂડ પેકેટ અને રાહત સામગ્રી પહોંચતી કરાયાનું સરકારી તંત્રએ સ્વીકાર્યું છે. એટલું જ નહીં, જમીન ધોવાણ અને ખેતી પાકનાં નુકસાનનો સર્વે કયારે ચાલુ થશે! એના જ ઠેકાણા નથી. હાલ તો તંત્રએ શહેરી - ગ્રામ્ય વિસ્તારનાં ધોવાયેલા રસ્તા ઉપરનાં ખાડા  બુરવાનું જ આજથી ચાલુ કર્યું છે. પુલ રસ્તાની મોટી ભાંગતૂટનાં સમારકામ કરવાનું પણ નક્કી થયું નથી.

કોડીનાર તાલુકાનાં નાની ફાંફણી, મોટી ફાંફણી અને પાંચ પીપળવા ગામે ભારે વરસાદ અને સાંગાવાડી નદીનાં ઘોડાપુરે ભારે તારાજી સર્જી છે, પણ સરકારી અધિકારીઓ હજુ પણ ફરકયા નહીં  હોવાનો ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો છે. ત્રણેય ગામોમાં પાંચ પાંચ ફૂટ  પાણી ફરી વળતા કાચા મકાનોને નુકસાન થયું છે. મોટાભાગનાં ગ્રામજનોની ઘરવખરી પલળીને નાશ પામી છે.

ખેતરોનાં ધોવાણ સાથે વાવેતરનો પણ સફાયો થઈ ગયો છે. એ જ રીતે વેરાવળ તાલુકાનાં ભેટાળી, ખંઢેરી, માથાસુરીયા, રામપરા, લુંભા, આણંદપર, કોડીદ્રા સહિતનાં ગામોમાં ભારે વરસાદથી મગફળીનાં વાવેતર સહિત ખેતીની જમીનનો સોંથ વળી જતાં ધરતીપુત્રો ચિંતાતૂર બની ગયા છે.

એટલું જ નહીં, કોડીનાર તાલુકાનાં પરિવહન માટે જીવાદોરી સમાન એસ.ટી. બસો છેલ્લા પાંચ દિવસથી બંધ છે. પરિણામે ૫૦ જેટલા ગામડાનાં લોકોની હાલત કફોડી બની છે. મેઘપ્રકોપનાં ફટકા બાદ સમયસર સહાય તો ઠીક જરૂરી સુવિધા પણ સરકારી તંત્ર ઉપલબ્ધ નહીં કરાવી શકતા ભારે કચવાટ સાથે રોષ છવાયો છે.

Tags :