Gujarat

તાલાલા પંથકમાં કેસર કેરી માટે મહત્વનાં કેનિંગ પ્લાન્ટ હજુ બંધ

By GS Team
2 May 20202 mins read
This article was originally published on 2 May 2020
તાલાલા પંથકમાં કેસર કેરી માટે મહત્વનાં કેનિંગ પ્લાન્ટ હજુ બંધ

લોકડાઉન લાગુ હોવાથી વહેલી તકે કેસર કેરીનાં ઉત્પાદનને સૌરાષ્ટ્ર સહિતનાં વિવિધ સેન્ટરોમાં પહોંચાડવાની સુવિધા આપવા પણ મુખ્યમંત્રીને રજૂઆત

તાલાલા (ગીર),  તા. 2 મે, 2020, શનિવાર

તાલાલા પંથકમાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોને ઘર આંગણે જ વેંચાણની સુવિધામાં વધારો થઈ શકે તે માટે માધુપુર ગીર, સુરવા ગીર અને જસાધાર ગીર ગામે આવેલા કેનીંગ પ્લાન્ટ હજુ કોરોના લોકડાઉનનાં કારણે બંધ હોવાથી સમયસર કરાય્રત કરવા ઉપરાંત કેસર કેરીના ઉત્પાદક કિસાનોને ઉપયોગી સવલતો આપવાની પૂર્વ ધારાસભ્યએ સરકાર સમક્ષ માંગણી કરી છે.

તાલાલા પંથકના કિસાનો વતી મુખ્યમંત્રી ને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, કેસર કેરીના બંધારણ સમયે ભારે ઠંડીના કારણે તતા વ્યાપક કોરામણને કારણે આંબામાં આવેલા પાકને ઘણું નુકશાન થયું છે. ત્યાર બાદ જે કાંઈ પાક બચ્યો તેનું પોષણક્ષમ ભાવો સાથે ખેડુતો વેંચાણ કરી શકે માટે સૌરાષ્ટ્ર સહિતના વિવિધ સેન્ટરોમાં માલ પહોંચાડવા સરકાર દ્વારા જરૂરી તમામ ટ્રાન્સપોર્ટીંગ સુવિધા સમય સર શરૂ કરવા માંગણી કરી છે.

પત્રમાં ઉમેર્યું છે કે, તાલાલા પંથકના ખેડુતો તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું વેંચાણ કરે છે. આ ઉપરાંત તાલાલા પંથકના માધુપુરનું સુરવા ગીર અને જશાધાર ગીર ગામે ત્રણ કેનીંગ પ્લાન્ટ આવેલા છે. જયાં અંદાજે કેસર કેરીનાં છ લાખ બોકસનું પ્રોસેસીંગ થાય છે. કિસાનોને કેરીનું સરળતાથી ઘર આંગણે વેંચાણ કરવાની સુવિધામાં વધારો થાય તે માટે તાલાલા પંથકના ત્રણેય કેનીંગ પ્લાન્ટ કાર્યરત કરવા વહીવટી તંત્ર દ્વારા સહયોગ આપવા પણ માંગણી કરી છે.

તાલાલા પંથક આ વર્ષે કેસર કેરીના પાકને નુકશાન થાય તેવું સીઝન દરમ્યાન ત્રણથી ચાર વખત વાતાવરણ બનેલ છે. જેના કારણે કેસર કેરીના ઉત્પાદક કિસાનોન પારાવાર આર્થિક નુકસાન થયું છે. જેથી કેસર કેરીનાં પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને યોગ્ય રાહત આપવા તથા કેસરકેરીના પાકનું પોષણક્ષમ ભાવો સાથે ખેડુતો વેંચાણ કરી શકે તે માટે સરકાર દ્વારા તમામ સવલતો આપવા પત્રના અંતમાં માંગણી કરી છે.