Get The App

કોડીનારનો શિંગોડા ડેમ ઓવરફલો થતાં 15 ગામડાંઓને કરાયા એલર્ટ

- નવા નીરની આવક અવિરત ચાલુ રહેતા

- ત્રણ તાલુકાનાં લોકો અને વન્યજીવો માટે જીવાદોરી સમાન જળાશયનો વનતંત્રનાં પાપે વિકાસ થતો ન હોવાથી કચવાટ

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
કોડીનારનો શિંગોડા ડેમ ઓવરફલો થતાં 15 ગામડાંઓને કરાયા એલર્ટ 1 - image

કોડીનાર, તા. 23 જુલાઈ, 2020, ગુરૂવાર

કોડીનાર સહિત ત્રણ તાલુકાને પાણી પુરૂ પાડતો જીવાદોરી સમાન શિંગોડા ડેમ  અવિરત નવાનીરની આવકનાં કારણે આજે ઓવરફ્લો થતાં લેવલ જાળવવા બપોરે ૧૨ વાગ્યે ૧ દરવાજો ૦.૦૭૫ મીટર ખોલતા તંત્ર દ્વારા શિંગોડા નદીના કાઠે આવતા ૧૫ ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. જામવાળા, કંસારીયા, ઘાંટવડ, સુગાળા, છાછર, કરેડા, દુદાણા, નાના ઇચવડ, રોણાજ, કોડીનાર, ચૌહાણની ખાણ અને મૂળદ્વારકા સહિતના ૧૫ ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ન કરવા ફ્લડ સેલ સિંચાઇ વિભાગે જાણ કરી  છે. શિંગોડા ડેમ સાઇટ અને ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં  સતત વધી રહેલા પાણીથી હાલ ડેમનું લેવલ ૧૪૦.૨૩ (૧૭.૪૫ મી.) છે. જો ઊપરવાસમાં હજુ વધુ વરસાદ પડશે  અને વધુ પાણીને આવક થાશે તો વધુ દરવાજા ખોલવા પડશે તેવું જાણવા મળે છે. ડેમ સાઈટનો કુલ વરસાદ ૭૨૫ મી.મી થયો છે.

આ ડેમની વાત કરીએ તો  શીંગોડા ડેમ ૪૫ વર્ષ જૂની અને મહામૂલી સિંચાઈ યોજના છે.આ સિંચાઈ યોજનાની થોડા સમય પહેલાં ડેમ સેફટી રિવ્યું પેનલ ગુજરાત અને ડેમ રિહેબઇલેશન ઈંપ્રૂવમેન્ટ પ્રોજેટકની ટિમોએ મુલાકાત લીધી હતી. જેમાં ડેમ સાઈટના દરેક કમ્પોનેન્ટ જેવાકે માટીબંધ, સ્લીપ વે બ્રિજ, ડેમના નિચાણમાં પાણીના નિકાલ માટે પાઇલોટ કટ તથા નવા એડિશનલ સ્લીપવે કરવાની જરૂરિયાત છે તેવું જણાવેલું અને આ તમામ કામ ટૂંક સમયમાં કામો કરવા સચિવને જો આ સિંચાઈ યોજનાને ભવિષ્યમાં ટકાવી રાખવી હશે તો આ કરવું જરૂરી છે તેવો રિપોર્ટ કર્યો હતો.

જો કે, ખાટલે મોટી ખોટ તો ત્યાં છે કે સરકાર સર્વે કરાવે છે અને કામો પાસ પણ કરી નાણા પણ ફાળવે છે, પણ જંગલ ખાતાની કન્નડગતના કારણે આ ડેમની મરામતમાં છાસવારે અડચણ આવતી રહે છે. હાલ જ ડેમ સાઈટનો એપ્રોચ રોડ મંજુર થયેલ પડયો છે, જે જંગલ ખાતાની પરવાનગીનાં વાંકે બન્યો નથી અને અદ્ધરતાલ છે. જેને લીધે હાલ ચોમાસાના સમયમાં ડેમ પર કામ કરતા કર્મચારીઓને પહોંચવામાં અતિ મુશ્કેલીઓ પડે છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, જંગલ ખાતાને પોતાના જંગલમાં ગમે તેટલી ઇમારતો કે રસ્તા બનાવવા હોય તો કોઈ પરવાનગી નહીં લેવાની પણ આવી મહામૂલી સિંચાઈ યોજના કે જેનો લાભ ૩ તાલુકાનાં આશરે ૩ લાખ લોકો લે છે અને જંગલના વન્ય પ્રાણીઓ માટે પણ આશીર્વાદ સ્વરૂપ છે, તેને જીવંત રાખવામાં અડચણો ઉભી કરવી તેવી મેલી મુરાદ સામે લોકોમાં રોષની લાગણી પ્રસરી છે.