Get The App

સિંહણનાં જડબામાંથી હિંમતભેર છૂટીને યુવાને ઝાડ પર ચડી જઈ જીવ બચાવ્યો

- સાવરકુંડલામાં મહુવા રોડ પરની ઘટના, લોકોમાં ભયનો માહોલ

Updated: Nov 15th, 2022

GS TEAM

Google News
Google News
સિંહણનાં જડબામાંથી હિંમતભેર છૂટીને યુવાને ઝાડ પર ચડી જઈ જીવ બચાવ્યો 1 - image

- સાવરકુંડલામાં સિંહણનાં હુમલામાં ઘાયલ યુવાન સારવાર માટે  દાખલ થયો હતો.

- બચ્ચા સાથેની સિંહણ દૂર જતાં યુવકે વૃક્ષ ઉપરથી નીચે ઉતરીને સરકારી હોસ્પિટલે પહોંચી સારવાર લીધી, નિંભર વનતંત્ર સામે આક્રોશ

સાવરકુંડલા


આજે સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવી ચડેલી સિંહણે એક યુવક પર હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ શહેરી વિસ્તારમાં ધોળા દિવસે સિંહણ દ્વારા હુમલાની ઘટના બનવા છતાં ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા વનતંત્ર સામે મહુવા રોડની સ્થાનિક સોસાયટીના રહીશોમાં રોષ ફેલાયો છે. 

મળતી માહિતી મુજબ, સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલી ગુલશને મદીના રેસીડેન્સીની પાછળ લીંડકિયા નેરાં વિસ્તાર તરીકે જાણીતા પડતર ખેતર આસપાસ આશ્રયસ્થાન બનાવીને ૩ સિંહબાળ સાથે ઘણા સમયથી સિંહણ રહે છે. આ દરમિયાન આજે સાવરકુંડલામાં રહેતો કનુભાઈ કસાભાઇ દેવીપૂજક નામનો યુવાન બાઇક લઇને તેના ભાઈને બાજુની વાડીએ ટિફિન આપવા જતો હતો ત્યારે ૩ સિંહબાળ સાથે રહેતી સિંહણે અચાનક જ તેની પાછળ દોટ મૂકી હતી. ખૂંખાર સિંહણે જોરદાર પંજો મારતા બાઇક સાથે યુવાન ઉથલી પડયો હતો. આ સાથે સિંહણે હુમલો કરીને યુવકના ડાબા પગને જડબામાં લઈને ખેંચવા લાગી હતી. 

વિફરેલી સિંહણનાં મોતનાં મુખમાંથી છૂટીને બચવા માટે યુવાને હિંમત કરીને લોહીલુહાણ ઈજાગ્રસ્ત હાલતમાં પણ બાજુમાં આવેલા લીમડાનાં વૃક્ષ પર ચડી ગયો હતો. જ્યાં થોડો સમય બેસી રહ્યા બાદ સિંહબાળ સાથે સિંહણ થોડે દૂર જતાં જ ઈજાગ્રસ્ત યુવક ઝાડ પરથી ઉતરીને લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં વનતંત્ર અને પોલીસ વિભાગે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે, જંગલના રાજા સિંહો અને દીપડાંઓએ હવે વન્ય વિસ્તારની સાથે ગામડાઓમાં વસવાટ વધાર્યો છે અને ધીમે-ધીમે શહેરો તરફ વળવા લાગ્યા હોય એવા કિસ્સા પ્રકાશમાં આવવા લાગ્યા છે. જંગલ, રેવન્યૂ, ગ્રામ્ય બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ સિંહ-દીપડા દ્વારા પશુઓ અને માનવીઓ પર થતાં હુમલાઓ વધવા લાગ્યા છે. જો કે, વનવિભાગ આવા બનાવો પણ અંકુશ મૂકી શકતો ન હોવાની વરવી વાસ્તવિકતા જોઈએ તો થોડા દિવસો અગાઉ જ સાવરકુંડલાનાં ઘનશ્યામનગર ખાતે ૩ વર્ષના માસૂમ બાળકને સિંહે ફાડી ખાધો હતો. એ પહેલા વાવડી ગામે પણ ૧૩ વર્ષના બાળકને સિંહે મારી નાખ્યો હતો. એ તો ઠીક સાવરકુંડલા શહેરમાં આવેલી ગુલશને મદીના રેસીડેન્સીનાં રહેણાંક વિસ્તાર નજીક ત્રણ સિંહબાળ સાથે દરરોજ સિંહણ લટાર મારતી હોવા છતાં વનવિભાગ ઘણા સમયથી આંખ આડા કાન કરી રહ્યું હતું. આવી ગંભીર બાબતે વનવિભાગ સર્વેક્ષણ કરવા કે સિંહણને જંગલ તરફ મુકી આવવા જેવા નક્કર પગલા લેવાનાં બદલે આંખ મિંચામણા કરી રહ્યું હતું. પરિણામે આજે એ જ સિંહણે યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાથી લોકોમાં ભય સાથે આક્રોશ પણ છવાયો છે.

Tags :