Gujarat

ઉનામાં નાયબ મામલતદાર સામે આક્રોશ, સિંધી સમાજ દ્વારા રેલી

By GS Team
5 Apr 20191 min read
This article was originally published on 5 Apr 2019
ઉનામાં નાયબ મામલતદાર સામે આક્રોશ, સિંધી સમાજ દ્વારા રેલી



ઉના, તા, 5 એપ્રિલ 2019, શુક્રવાર

ઉનાના નાયબ મામલતદાર અમૃતલાલ પ્રજાપતિએ સમગ્ર સિંધી સમાજ માટે કરેલા ઉચ્ચારણોના વિરોધમાં સોમનાથ બાગ ખાતેથી નગરના હાર્દસમા વિસ્તારોમાંથી શિસ્તબધ્ધ રીતે સિંધી સમાજની વિશાળ રેલી સુત્રોચ્ચાર સાથે નિકળી હતી. અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનોએ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કર્યા બાદ રોષપૂર્ણ આવેદન પત્ર આપ્યું હતું. તેમજ નાયબ મામલતદારની બદલીની, ખાતાકીય તપાસની માંગ કરી હતી. 

દેશના પ્રધાનમંત્રીને સંબોધીને તેમજ રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશ્નર, રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ગીર સોમનાથ જિલ્લા કલેકટરને જાણ કરતા આવેદનપત્રમાં જણાવાયા અનુસાર ગત તા. ૨૫ માર્ચે ઉનામાં કેન્ટીન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સિંધી અરજદાર ધીરજલાલ મેઠારામભાઇ દેવનાણીએ જયારે સવર્ણ અનામતના ફોર્મમાં સરકારના જવાબદાર અધિકારી તરીકે નાયબ મામલતદાર અમૃતલાલ પ્રજાપતિ પાસે સહી કરાવવા ત્રણ - ત્રણ વખત ગયા હતા. 

ત્યારે 'સિંધીને અનામતનું શું કામ? સિંધીને અનામત ના મળે' એવા જાતિગત ટિપ્પણી સાથેના બાબુશાહી જવાબો આપીને અરજદારે વિનંતી કરી હોવા છતાં પણ ફોર્મમાં સહી ન કરીને મામલતદાર કચેરીમાંથી રવાના કરી દીધા હતા.