તાલાલાથી માધુપુર ગીરનાં માર્ગ પર વૃક્ષ ધરાશાયી : વાહન વ્યવહાર ઠપ્પ
આંકોલવાડી-ઉના-પ્રાંચી તરફનાં વાહનો અટકી પડયા તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ 29 ફુટ ભરાતા રાહત, નવા નીરની આવક ચાલુ
તાલાલા ગીર, : તાલાલા પંથકમાં આઠ દિવસથી મેઘસવારી આવી પહોચી છે. આજે તાલાલાથી માધુપુર ગીરનાં માર્ગ પર વૃક્ષ ધરાશાયીથતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ 29 ફુટ ભરાતા રાહત થઇ છે અને નવા નીરની આવક ચાલુ રહી છે.
તાલાલા પંથકમાં છેલ્લા આઠ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. તાલાલા પંથક આખો પાણીથી તરબોળ થઈ ગયો છે. આ દરમિયાન તાલાલા-માધુપુર માર્ગ ઉપર તાલાલા થી બે કિ.મી. દુર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. પરિણામે આંકોલવાડી, ઉના, પ્રાંચી તરફનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. ત્રણ કલાકની જહેમત બાદ જેસીબી દ્વારા માર્ગ ઉપર પડેલ તોતિંગ વૃક્ષને હટાવવામાં આવતા ત્રણ કલાક બાદ વાહન વ્યવહાર પુન: શરૂ થયો હતો.
તાલાલા પંથકમાં અવિરત વરસાદના કારણે આખો પંથક જળબંબાકાર થઈ ગયો છે. તમામ ગામોના નદી-નાળામાં નવાની વહેતા થઈ ગયા છે. આજે પણ તાલાલા વિસ્તારમાં એક ઇંચ કરતા પણ વધુ વરસાદ પડયો છે, હજી પણ વરસાદ ચાલુ છે.
તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમની પાણીની સપાટી પણ 29 ફૂટે પહોંચી ગઈ છે. હજી પણ ડેમમાં નવા નીરની આવક ચાલુ છે. તાલાલા પંથકમાં હજી પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.