Gujarat

'જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ નિહાળવા સદ્ભાગી થઇ ન હોત'

By GS Team
28 Apr 20201 min read
This article was originally published on 28 Apr 2020
'જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ નિહાળવા સદ્ભાગી થઇ ન હોત'

અમદાવાદ, તા. 28 એપ્રીલ 2020, મંગળવાર

આદિ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવનો 70મો સ્થાપના દિન વૈશાખ સુદ-પાચમના મંગળવારે હતો. સામાન્ય રીતે સોમનાથ સ્થાપના દિનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને સેંકડો ભક્તો ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે લોકડાઉનને પગલે દર્શનાર્થીઓ વિનાજ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશેષ મહાપૂજા,  ધ્વજપૂજા કરવામાં આવી હતી. આ વખતે કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વનું રક્ષણ થાય માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવામાં આવ્યો હતો.

જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ટ્રસ્ટી પી.કે. લહેરીએ જણાવ્યું કે, ‘આદિ જ્યોર્તિલિં સોમનાથ મહાદેવનો પ્રાણ-પ્રતિષ્ઠા સ્થાપના દિવસ તિથિ મુજબ વૈશાખ સુદ પંચમી છે જ્યારે તારીખ મુજબ 11 મેના છે. આ જ્યોર્તિલિંગ ખાતે તિથિ અને તારીખ એમ બંને દિવસે ખાસ પૂજન-અર્ચન કરવામા આવે છે. તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ હતી.’

આજથી 70 વર્ષ અગાઉ સમુદ્રમાં શણગારેલી બોટમાં રાખવમાં આવેલી 21 તોપની સલામી સાથે ભક્તોએ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું. આજે આ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલ સાથે સોમનાથ મંદિરના નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરનારા લોકો તરીકે દિગ્વિજય સિંહ, કાકા સાહેબ ગાડગીલ, મોરારજીભાઇ દેસાઇ કનૈયાલાલ મુન્શી સામેલ હતા. આજે જો સરદારને યાદ કરીએ તો કનૈયાલાલ મુન્શીના શબ્દો યાદ આવે છે કે, ‘જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ નિહાળવા સદ્ભાગી થઇ ન હોત.’