ઉના, તા. 21 મે 2020, ગુરુવાર
ઉના નજીકના ગીર ગઢડા તાલુકાના ભીખા(ગીર) ગામે ગત રાતે અફસાના સાબિરશા નામની મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ગીર ગઢડા લઈ જવામાં આવતી હતી, એ સમયે સુલપરાના પાટિયા પાસે રસ્તો રોકીને 4 સિંહ બેઠા હોવાથી એમ્બ્યુલન્સ થોભાવી દેવી પડી હતી.
મહિલાની પીડા ચરમસીમાએ પહોંચતાં ઇએમટી ડોક્ટર અને પાયલટે મળીને એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી. મહિલાને બાળકીનો જન્મ થયો હતો. અડધા કલાક પછી સિંહ ચાલ્યા ગયા બાદ માતા-પુત્રીને ગીરગઢડાના દવાખાને લઈ જઈને સારવાર આપવામાં આવી હતી. બન્ને ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું હતું.


