Updated: Feb 24th, 2023
પોલીસે CCTV ફુટેજના આધારે આરોપીને ઝડપી લીધો : લૂંટમાં કાયદાથી સંઘર્ષિત બે કિશોર સહિત ત્રણની સંડોવણી ખુલતા શોધખોળઃ લૂંટના ૪.૩૫ લાખની રકમ કબ્જે કરાઈ
ઉના, : ઉનાના ગીરગઢડા રોડ પર બાઈક લઈને દ્રોણ ગામે ખેડૂતોને રકમ આપવા જતા વેપારી પાસેથી 4.35 લાખ ભરેલા થેલાની 4 શખ્સોએ ગઈકાલે લૂંટ ચલાવી હતી. ઉના પોલીસે સીસીટીવી ફુટેજના આધારે લૂંટમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને દબોચી લઈ તેની પાસેથી લૂંટની ૪.૩પ લાખની રોકડ કબ્જે કરી હતી તથા લૂંટમાં સંડોવાયેલા કાયદાથી સંઘર્ષિત બે કિશોર સહિત ૩ ની શોધખોળ હાથ ધરી છે.
ઉનાની પટેલ સોસાયટીમાં રહેતા મનોજભાઈ રમણીકભાઈ તૈલી તેના પિતરાઈ ભાઈ જયસુખભાઈ સાથે પવનપુત્ર એન્ટરપ્રઈઝ નામની પેઢીમાં જણસીની લે-વેચનો વેપાર કરે છે. ગઈકાલે ઉનાના ગીરગઢડા રોડ પર બેંકના ખાતામાંથી જયસુખભાઈએ રોકડા ૬ લાખ ઉપાડી તેમાંથી ૪.૩પ લાખની રકમ મનોજભાઈને ખેડૂતોને આપવા માટે આપી હતી.
મનોજભાઈ ૪.૩પ લાખની રોકડ રકમ થેલામાં નાખી તે રકમ દ્રોણ ગામે ખેડૂતોને આપવા બાઈક ઉપર જતા હતા. ત્યારે ગીરગઢડા રોડ પર પેટ્રોલ પંપ પાસે એક સ્કુટર ઉપર ૪ શખ્સોએ આવી મનોજભાઈના બાઈકને પાટુ મારી પછાડી દીધા હતા તથા એક શખ્સે બાઈક ઉપર ટીંગાડેલો ૪.૩પ લાખની રોકડ સાથેનો થેલો લઈ તમામ નાસી ગયા હતા. મનોજભાઈને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. તેમણે લૂંટ અંગે ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉના પીઆઈ નીલેશ ગોસ્વામી તથા સ્ટાફે અને એસઓજી ક્રાઈમ બ્રાન્ચે સંયુકત રીતે તપાસ હાથ ધરી આ વિસ્તારની જીનીંગ મીલો, પેટ્રોલ પંપ સહિતના સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા સ્કુટર ઉપર ૪ શખ્સો જતા જોવા મળ્યા હતા. તેમની ઓળખ થતા ચાર પૈકી એક અગાઉ લૂંટ, હુમલા સહિતના ગુન્હામાં સંડોવાયેલા રીઢો ગુન્હેગાર રઘુ રવિભાઈ બાંભણીયા (રહે. ઉના) હોવાનું ખુલતા તેને દબોચી લેવાયો હતો.
તેની પૂછપરછ કરતા તેણે લૂંટની કબૂલાત કરતા તેની પાસેથી 4.35 લાખની રોકડ કબ્જે કરાઈ હતી તથા તેની સાથે લૂંટમાં કાયદાથી સંઘર્ષિત બે કિશોર સહિત 3 ના નામ ખુલતા ત્રણેયની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.