Get The App

ગીર-સોમનાથ જિલ્લામાંથી 338 ફિશીંગ બોટોને દરિયો ખેડવા અપાઈ મંજૂરી

- લોકડાઉનમાંથી માછીમારી ઉદ્યોગને મુક્તિ મળતા

- વેરાવળ પંથકના કોલ્ડસ્ટોરેજોમાં પડેલી કરોડો રૂપિયાની માછલીના જથ્થાની હેરફેર શક્ય બનતા માછીમારી ઉદ્યોગને આર્થિક રાહત

Updated: Apr 13th, 2020

GS TEAM

Google News
Google News
ગીર-સોમનાથ જિલ્લામાંથી 338 ફિશીંગ બોટોને દરિયો ખેડવા અપાઈ મંજૂરી 1 - image


વેરાવળ, તા.13 એપ્રિલ 2020, સોમવાર

લોકડાઉનમાંથી માછીમારી ઉદ્યોગને મુક્તિ મળતા ગીર-સોમનાથ જિલ્લામાંથી ફિશરીઝ વિભાગ દ્વારા ૩૩૮ ફિશીંગ બોટોને દરિયો ખેડવા મંજૂરી અપાતા બોટો માછીમારી માટે રવાના થઈ છે. વેરાવળ પંથકના કોલ્ડસ્ટોરેજોમાં માછલીઓનો કરોડોનો જથ્થો પડયો હોઈ તેની પણ હેરફેર હવે શક્ય બનતા માછીમારોને આર્થિક રાહત મળશે.

ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લામાં લોકડાઉનના કારણે ફિશિંગ બંધ હતું. રાજ્ય સરકારના આદેશ મુજબ ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનમાં ફિશરીઝ વિભાગ દ્વારા જિલ્લામાંથી ૩૩૮ ફિશીંગ બોટ સાથે ૨૩૬૬ ખલાસીઓને દરિયો ખેડવા માટે મંજૂરી આપવામાં આવી હતી. 

મંજૂરી મળી ગયા બાદ માછીમારો ફિશીંગ બોટ લઈને દરિયો ખેડવા રવાના થયા છે. લોકડાઉનમાં ફિશીંગ બોટને દરિયામાં જવા માટે મંજૂરી આપવામાં આવતા માછીમારોને રોજગારી મળી રહેશે અને બોટ માલીકોને આર્થિક ફાયદો થશે.

ઓલ ઈન્ડિયા ફીશ એક્સપોર્ટ એસો.ના પ્રમુખ જગદીશભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે લોકડાઉનમાંથી માછીમારી ઉદ્યોગને મુક્તિ મળતા આ ઉદ્યોગ સાથે જોડાયેલા નાની-મોટી બોટોયા માલિકો, માછીમારો, છકડો રિક્ષાધારકો, કાટાંના વ્યવસાયીઓ, બરફના કારખાના, કોલ્ડસ્ટોરેજ, મચ્છીના વેપારીઓ સહિત અનેક ધંધાર્થીઓની રોજગારી શરૂ થશે. વેરાવળ વિસ્તારનાં કોલ્ડસ્ટોરેજમાં અંદાજીત ૧૨૦૦ કરોડનો માછલીઓનો જથ્થો સ્ટોરેજ છે તેની હેરફેર અને નિકાસ પણ શક્ય બનશે.

કેન્દ્ર અને રાજ્યના નિયમો પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે રીતે ફિશરીઝ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન સાધી કામગીરી શરૂ કરાશે તથા નિકાસકારો દ્વારા બોટોમાં આવતી માછલીઓના પૈસા ચૂકવી શકાશે. આમ ખુલતી સિઝને આર્થિક વ્યવહારમાં કોઈ તકલીફ ન પડે તેવો નિર્ણય લેવાતા નિકાસકારો દ્વારા કામગીરી શરૂ કરાશે. 

ફિશીંગ સાથે સંકળાયેલ કામગીરી માટે નોડલ અધિકારીની નિમણૂંક

ફિશીંગ સાથે સંકળાયેલ કામગીરીને સરકારની ગાઈડલાઈન મુજબ લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવતા વહીવટીતંત્ર સાથે સંકલન જળવાઈ રહે તે માટે નોડેલ અધિકારી તરીકે ડી. જે. પાનેલિયા (રીજીયોનલ મેનેજરશ્રી, જીઆઈડીસી, વેરાવળ) અને સહ નોડેલ અધિકારી તરીકે એસ. એમ. માકડીયા (ઓફિસ આસી., જીઆઈડીસી)ની નિમણૂક કરવામાં આવી છે.

નોડલ અને સહ નોડલ અધિકારીએ ફિશીંગ એકમોના માલિકો પાસેથી ફિશીંગ સાથે સંકળાયેલા લોકોનું લીસ્ટ લેખિતમાં મેળવવાનું રહેશે. સરકારની વખતો વખતની લોકડાઉનની સૂચનાનો ભંગ ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને ન્યુનતમ માણસોથી એકમો કાર્યરત થાય તે અંગે તકેદારી રાખવા જણાવાયું છે.

Tags :