Get The App

સસ્તા ભાવનું ડિઝલ આપવાની લાલચ આપી છેતરતી ગેંગના 3 ઝડપાયા

Updated: Dec 26th, 2022

GS TEAM


Google News
Google News
સસ્તા ભાવનું  ડિઝલ આપવાની લાલચ આપી છેતરતી ગેંગના 3 ઝડપાયા 1 - image


દરિયાઈ વિસ્તારમાં માછીમારોને ભોળવીને ઓનલાઈન કળા કરાતી હતી  : બજાર કરતા લિટરે વીસ રૂપિયા ઓછા ભાવે આપવાની વાત કરી ઓનલાઈન નાણા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ફોન સ્વીચ ઓફ કરી દેતા હતાં

વેરાવળ, પ્રભાસપાટણ, : ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં વસતા માછીમારો અને બોટ માલિકોને સસ્તા ભાવે ડિઝલ આપવાની લાલચ આપી ગુજરાત બહારના એકાઉન્ટમાં નાણાં જમા મેળવી એ પછી ડિઝલ આપવાના બદલે ફોન જ સ્વીચ ઓફ કરીને નાણા ઓહિયા કરી જનારી આઠ શખ્સોની ગેંગ પૈકીના ત્રણને ગીર સોમનાથ પોલીસે આબાદ ઝડપી લઈ આખુ રેકેટનો પર્દાફાસ કરી નાંખ્યો છે. 

ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી એ વખતે એમને ડિઝલ છેતરપિંડીના આરોપીઓ  ગીર સોમનાથ પંથકમાં છે એવી બાતમી મળતા જ ઈરફાન રહેમાનભાઈ મનસુરી રહે.જાફરાબાદ, ઈસ્માઈલ દાઉદભાઈ ગઢિયા ઉવ. 32 રહે.ઉના ,અને અકરમ જાહીદભાઈ શેખ મુળ બિહાર હાલ ઉનાને પકડી લીધા હતા. એમની પૂછપરછ દરમિયાન આ રેકેટમાં સામેલ એવા યુનુસ ઈબ્રાહીમ ભાડેલા, ઈરફાન ઉર્ફે વાસ્તવ હનીફભાઈ, કાદરભાઈ નારિયા, તોફિકભાઈ ભાડેલા, આશીફ ભાડેલા તમામ રહેવાસી જાફરાબાદનો સમાવેશ છે. જેને પકડવા હવે કાર્યવાહી કરવામાં આવશે.

આ શખ્સો બોટ માલિકોને અલગ અલગ ડમી મોબાઈલ નંબરોમાંથી ખોટું નામ ધારણ કરીને  વર્તમાન ભાવ કરતા લિટરે વીસ રૂપિયા સસ્તા ડિઝલ આપવાની ઓફર આપી એ પેટે ગુજરાત બહારના બેન્ક એકાઉન્ટમાં યુપીઆઈથી ઓનલાઈન નાણા જમા કરાવડાવી નાણા મેળવતા હતા. અને  આ એકાઉન્ટ પણ અન્ય વ્યકિતના હોય જે દુધવાળો હોય કે નાના વેપારી હોય, એ બધાના થર્ડ પાર્ટી બેન્ક એકાઉન્ટ વાપરી આ એકાઉન્ટ ધારકોને કમિશન આપી બાકીના નાણા તેઓ લઈ લેતા હતા. આ રેકેટનો ભોગ બનેલા કિશોરભાઈ બચુભાઈ જુંગીને સસ્તું ડિઝલ આપવાની લાલચ આપી ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. જયારે જયારે કોઈ શિકાર મળે એને એમ કહેતા હતા કે એમની પાસે એટીએમ કાર્ડ નથી આથી અમો કહીએ એના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરી દો એમ કરીને નાણા પડાવી લેતા હતા. જેમાં એકાબીજાની મદદગારી રહેતી હતી. 

પકડાયેલા આરોપી ઈરફાન રહેમાનભાઈ મનસુરી સામે પીપાવાવ પોલીસ મથકમાં પણ છેતરપીડીના બે ગુનાઓ અને એક જુગાર ધારા હેઠળનો ગુનો નોંધાયો છે. જયારે ઈસ્માઈલ દાઉદભાઈ ગઢિયા સામે પ્રભાસપાટણ પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો છે.  આજે પકડાયેલા શખ્સો પાસેથી પ મોબાઈલ ફોન કબજે લેવાયા છે અને ફ્રિઝ કરાવેલા બેન્ક એકાઉન્ટની રકમ રૂા.1,50,000 કબજે કરેલ છે.

Tags :