સોમનાથ પાસે કદવારમાં આવેલું 1800 વર્ષ પ્રાચીન દશાવતાર મંદિર
- આજે ભગવાન વરાહની જયંતિ
- ગુપ્ત કાળમાં બંધાયેલું હોવાનું મનાતા આ મંદિરમાં 2 દશાવતાર પૈકી માત્ર વરાહ સ્વરૂપની 4 પ્રતિમા બચવા પામી છે
આ મંદિર ખાતે પુરાતત્વ ખાતાએ 1089 ની સાલમાં રક્ષિત સ્મારક તરીકે બોર્ડ પણ લગાવેલ વર્ષો પહેલા જેઠ વદ અગીયારસે અહીં મેળો ભરાતો જે આજે પણ પરંપરા ચાલુ
પ્રભાસપાટણ, : સમગ્ર ભારત વર્ષમાં તા. 9 સપ્ટેમ્બરના દશાવતાર વરાહ ભગવાનની જયંતિ ઉજવાશે ત્યારે સોમનાથ તીર્થમાં સોમનાથથી ૧ર કી.મી. દૂર કદવારમાં દશાવતાર મંદિર આવેલું છે. ભવ્ય-પ્રાચીન કલા, કોતરકામવાળુ બાંધકામ ધરાવતું અંદાજે ૧૮૦૦ વર્ષ અતિ પ્રાચિન મંદિર જેઠ વદ અગીયારસે વરાહ અગીયારસ ઉત્સવ-પૂજન ઉજવાય છે.
કદવારનું દશાવતાર મંદીર પૂર્વાભિમુખ ઊંચી પીઠ ઉપર આવેલું છે. મંદિરનું ગર્ભગૃહ ચોરસ છે અને મંદિરમાં આજે દશાવતારમાંથી માત્ર એક જ અવતાર વરાહની મૂર્તિ બચવા પામી છે. વરાહની આ મૂર્તિ ૩ ફૂટ ઊંચી અને ૧ ફૂટ, ૭ ઈંચ પહોળી છે. આ મૂર્તિનું મુખ વરાહનું છે. જયારે દેહાકૃતિ માનવની છે. તેને બે હાથ છે. જયારે ડાબા ખભા ઉપર પૃથ્વીદેવી બેઠેલી છે.
મુર્તિને ફરતા પરિસરમાં અન્ય અવતારો અંકિત છે. આ મંદિર ગુપ્ત કાળમાં બંધાયુ હોવાનો મત છે. ઈતિહાસકારોનો એક મત એમ પણ કહે છે કે આ મંદિર સાતમા સૈકાની આસપાસ બંધાયું હશે. આ મંદિરમાં ગર્ભગૃહને ફરતી પ્રદક્ષિણા પણ થાય છે. મંદિરમાં સાદા અને સમચોરસ ચાર સ્તંભો છે. દશાવતારના આ મંદિરમાં વરાહની મૂર્તિ ગર્ભગૃહના જમણા ભાગમાં છે તેનો અર્થ બાજુમાં બાકીની નવ મૂર્તિઓ હશે. મંદિરની બહાર વામન, પરશુરામ, બલરામના જૂના ચિત્રો પણ જોવા મળે છે. તેમ સોમનાથ ઈતિહાસકાર કપિલ ઠાકર કહે છે.
ધાર્મિક માન્યતા પ્રમાણે બ્રાહ્મજી જયારે સૃષ્ટિના સર્જનમાં વ્યસ્ત હતા એ સમયે એક દિવસ એક દૈત્ય અચાનક પૃથ્વીને પાતાળ લોક સુધી લઈ ગયો અને પૃથ્વી જળમાં ડૂબેલી જોઈ બ્રહ્મજીએ રસાતળ સુધી પહોંચી ગયેલી પૃથ્વીને મુકત કરવા મનોમંથન કર્યુ અને પૃથ્વીને પાતાળ લોક સુધી ઘસેડી ગયેલા રાક્ષસના કૃત્યને ઉગારવા નાસીકાના છીદ્રમાંથી એક અંગુઠા જેવડુ ભુંડ બચ્યું નિકળ્યું તે ક્ષણવારમાં આકાશમાં પહોંચીને હાથીના કદ જેવડુ વધી ગયું અને ચારે દિશામાં ગર્જનાઓ સંભાળાઈ અને દિશામાં ગર્જનાઓ સંભળાઈ અને સૈપ્રથમ વેદોથી ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર સમાન વરાહ દેવની પ્રાર્થના કરાઈ જેથી વરાહ સ્વરૂપે સમુદ્રના જળમાં પ્રવેશી પ્રલયકાળથી સૌનો બચાવ કર્યો અને પૃથ્વીને જે જળમાં ડૂબેલી હતી. તે પોતાના મુખમાં બંને દાંતો વચ્ચે બરાબર ગોઠવીને ભગવાન બહાર લાવ્યા અને હિરણ્યકશ્યપ દૈત્યનો સંહાર કર્યો પરમાત્મા પોતાની ખરીઓથી સ્થિત થયેલા જળ ઉપર પૃથ્વીને રાખી ત્યાંથી પોતાના ધામમાં ગયા.
હાલના આ મંદિરનું શિલ્પકામ-સ્થાપત્ય મોર્ય યુગનું હોવાનો પણ એક મત છે. મંદિરના અંદરના ભાગમાં શિવલિંગ, હનુમાનજી, ગણેશજીની મૂર્તિઓ આવેલી છે.
વરાહ ભગવાનની શિલ્પ મૂર્તિ સોમનાથના સંગ્રાહલયમાં છે
સોમનાથ મહાદેવ મંદિરના ટુરિસ્ટ ફેરેલીટી સેન્ટરના વિશાળ સંકુલમાં પ્રાચીન સોમનાથ મંદિરના શિલ્પ અવશેષોનું સંગ્રહાલય આવેલું છે. જેમાં ભગવાનના દસ અવતાર અને સ્વરૂપોમાંના વરાહ અવતારનું દિવ્ય મૃર્તિ સૌને પ્રભાવિત કરે છે. જેમાં મુર્તિ શિલ્પ સાથેના લખાણમાં જણાવ્યું છે કે ભગવાનના દસ આવતારમાંના વરાહ અવતાર અનોખારૂપે છે. પરંતુ તેનું પૂજન કરાય છે કારણ કે પૃથ્વીને બચાવવા માટે એ અવતારનો હેતુ હતો. જેથી વરાહરૂપને શંખ-ચક્ર-ગદા-યજ્ઞા સાથે સ્ત્રી વેષમાં પૃથ્વી બેઠી છે. આ શિલ્પ પ્રાચીન વિસર્જીત સોમનાથ મંદિરના પરિસરમાંથી વર્ષો પહેલા પ્રાપ્ત થયેલ છે. જેનું નિર્માણ બારમી સદીમાં થયેલ હતું જેનું આ શિલ્પ હોય શકે.