Get The App

કોડીનાર SBIમાં ખાતેદારનાં બેંક ખાતામાંથી 1.75 લાખ ઉપડી ગયા

- એક જ ખાતા નંબરથી ભળતા નામે સેવિંગ્ઝ ખાતુ ખોલાયું

- બેંકનાં જ કર્મચારીની મિલી ભગત: જિલ્લા પોલીસવડાને ફરિયાદઃ રકમ પરત જમા કરાવી દેવા મેનેજર ખાત્રી

Updated: Nov 19th, 2019

GS TEAM

Google News
Google News
કોડીનાર SBIમાં ખાતેદારનાં બેંક ખાતામાંથી 1.75 લાખ ઉપડી ગયા 1 - image


કોડીનાર,તા.19 નવેમ્બર 2019, મંગળવાર

કોડીનાર એસ.બી.આઈ. માં એક ખાતેદારના ખાતામાંથી રૂા. પોણા બે લાખ ઉપડી જવા અંગે ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડાને ફરીયાદ થઈ છે. જે વ્યક્તિનું બેંકમાં સેવિંગ્ઝ ખાતુ હતુ તેના ભળતા નામનું એજ ખાતા નંબરથી બેંકના કર્મચારીની મદદથી ખાતુ ખોલી બીજા શખ્સે આ રકમ ઉપાડી લીધાનું બહાર આવ્યું છે.

વિગત એવી છે કે, કોડીનાર તાલુકાના વડનગર ગામે રહેતા સામતભાઈ નથુભાઈ સોલંકી કોડીનાર એસબીઆઈમાં ખાતા નં. ૫૬૦૩૩૦૮૫૮૫૬થી સેવિંગ્ઝ એકાઉન્ટ ધરાવે છે. સામતભાઈ અંબુજા સીમેન્ટમાં નોકરી કરતા હોય અને રૂા ૧૦૭૫ માસીક પેન્સન મળતુ હોય આ રકમ ખાતામાં જમાં થતી હતી. જેમાં ગત તા.૩.૯.૧૯ સુધીમાં રૂા. ૧૮૧૭૯૨ રકમ જમાં હતી. દરમ્યાન  ૭.૯.૧૯થી ૫.૧૧.૧૯ સુધીમાં ત્રણ વખત કુલ રૂા પોણા બે લાખ જેવી રકમ વિડ્રો થતા અને ખાતામાં ફકત રૂા અગીયાર હજાર જેવી રકમ જમાં રહી હતી. 

જે અંગે બેંકના મેનેજરને ફરીયાદ કરતા પ્રથમ બેંકના મેનેજરે આ રકમ સામતભાઈએ વિડ્રો કરી હોવાનું જણાવ્યું હતું. બાદ સીસીટીવી સહિતના ડોકયુ.ની ખરાઈ કરવામાં આવતા આ રકમ સામતભાઈ નથુભાઈ સોલંકી (રે. મઠ્ઠ ) ના એ ઉપાડી હોવાનું જાણવા મળ્યું હતું. 

આમ એક જ નામના બે વ્યક્તિ હોઈ શકે પરંતુ બન્ને વ્યક્તિના ખાતા નંબર પણ એકજ હોઈ બેંકના કર્મચારીની મીલીભગતથી વડનગર ગામના સામતભાઈ સોલંકીની મરણમૂડીની રકમ ખાતામાંથી ઉપડી જવા અંગે મહેશભાઈ મકવાણાએ જીલ્લા પોલીસ વડા તેમજ એસ.બી.આઈ.ની વડી કચેરીને ફરીયાદ કરી રકમ ઉપાડનાર અને રકમ ઉપાડવામાં  મદદગારી કરનાર બેંક કર્મચારી સામે ધારા મુજબ ફરીયાદ કરવા માંગણી કરી છે.

મહેશભાઈ મકવાણાની ફરીયાદ  બાદ બેંકના મેનેજર આ રકમ જમાં કરાવી દેવા સહમત થયા છે ત્યારે બેંકમાં એવા કેટલાય વૃધ્ધોના ખાતા હશે કે જેમાં તેની મરણ મૂડી જમાં થતી હશે જેનો લાભ બેંક કર્મચારીની મીલીભગતથી અન્ય લોકો લેતા હશે તે રામ જાણે પરંતુ કોડીનાર એસ.બી.આઈ.નું આ કૌભાંડ બહાર આવ્યા પછી કર્મચારીઓમાં ભય ફેલાઈ ગયો છે અને કૌભાંડીયા કર્મચારીના પગ હેઠળથી ધરતી ખસી રહી છે ત્યારે આમાં સંડોવાયેલાઓ તમામ સામે દાખલારૂપ પગલા ભરાય તે ઈચ્છનીય છે.

Tags :