48 કલાકમાં બે સહિત છેલ્લા એક વર્ષમાં 17 વ્યક્તિઓને ફાડી ખાધા
- વિસાવદર, બગસરા, ધારી પંથકમાં માનવભક્ષી દિપડાનો આતંક
- માનવભક્ષી દીપડાને તંત્ર ઠાર નહીં કરે તો અમો કાયદો હાથમાં લેશું: વન તંત્રને ગામડાઓમાં ઘૂસવા નહીં દઇએઃ ધારાસભ્ય
વિસાવદર તા. 7 ડિસેમ્બર 2019, શનિવાર
દિપડાઓએ વિસાવદર, બગસરા, ધારી પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. ૪૮ કલાકમાં જ બીજી વ્યક્તિનો ભોગ લઈ લીધો છે. એક વર્ષમાં કુલ ૧૭ નિર્દોષ લોકોનો દીપડાએ ભોગ લીધો છે. જ્યારે ૬૭ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. વન વિભાગના પીપીએફ વસાવડાએ અગાઉ કહ્યું હતું કે મોટાભાગના દીપડોઓ પકડાઈ ગયા છે.
જેથી ઠાર કરવાની જરૂર નથી. પરંતુ મુંજીયાસર મા ૪૮ કલાકમાં બે લોકોએ દિપડાના હુમલામાં જીવ ગુમાતા વન વિભાગ અને સરકાર ફફડી ઉઠયાં છે. વિસાવદરના ધારાસભ્યએ આજે ખભે બંદૂક લઈ વનવિભાગની ઝાટકણી કાઢી જણાવેલ કે વનવિભાગ માનવભક્ષી દિપડાને ઠાર ન કરી શકે તો અમારામાં ત્રેવડ છે અને હવે અમે કાયદો હાથમાં લેશું.
બગસરા સરકારી હોસ્પિટલ કે જ્યાં દીપડાનો ભોગ બનેલ ખેત મજુર નો મૃતદેહ પડયો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા ત્યાં જઈ વનવિભાગને પડકાર ફેંક્યો હતો કે માત્ર પાંજરાઓ મૂકી સંતોષ માની લો છો વનવિભાગના બેજવાબદાર લોકો સામે કોઇ કાર્યવાહી થતી નથી. રેવન્યુ વિસ્તારમાં જેટલા પણ દીપડાઓ છે તેને ૧૫ દિવસમાં વનવિભાગ પકડી જંગલમાં લઈ જાય નહિતર વન વિભાગના એક પણ કર્મચારીને ગામડામાં ઘુસવા નહી દઈએ.